વડોદરા: મારા લગ્નનું શ્રાદ્ધ થયું છે તેમ જણાવતા પતિ, સાસુ તથા દિયર સામે પરણિતાની ફરિયાદ
Image Source: Freepik
વડોદરા, તા. 06 જૂન 2023 મંગળવાર
વડોદરાની યુવતીના મુંબઈ ખાતે લગ્ન થયા બાદ પતિ તથા સાસરી પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અને દહેજ માંગણીના આક્ષેપ સાથે પરણીતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે પતિ, સાસુ તથા દિયર વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાંડિયા બજાર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, વર્ષ 2021 દરમિયાન મારા લગ્ન સમાજના રિતરિવાજ મુજબ નીલય વિકાસ ચૌબળ (રહે -ઉન્નતનગર, ગોરેગાંવ વેસ્ટ, મુંબઈ) સાથે થયા હતા. લગ્નના દોઢ મહિના બાદ પતિએ મને કહ્યું હતું કે મારા લગ્નનું શ્રાદ્ધ કરેલ છે. આપણા લગ્ન પછી મારો કામ ધંધો ઠપ્પ પડ્યો છે. તારી સાથે લગ્ન કરીને મને કોઈ ફાયદો થયો નથી. તેવું જણાવી મને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. મારા સાસુ તથા દિયર પણ પતિને મારા વિશે ચડામણી કરતા હતા. સાસુ ટોળો મારતી હતી કે મારા પુત્રને ગરીબ ઘરે લગ્ન કરી દહેજ આપેલ નથી. ચાલુ વર્ષે માર્ચ મહિના દરમિયાન પતિને પુત્રનું ધ્યાન રાખવા તથા કામ ધંધો કરવા જણાવતા પતિએ અપશબ્દો બોલી, મારઝૂડ કરી મારી, નાખવાની ધમકી આપી હતી.