ગુજરાત સંગીત નાટક અકાદમી સરકારી અધિકારીઓના ચુંગલમાંથી મુક્ત રહે
પ્રો.માર્કન્ડ ભટ્ટનુ આ સ્વપ્ન હતું
શિક્ષણશાસ્ત્રી અને રંગકર્મી સુભાષ બ્રહ્મભટ્ટે 'સ્વાયત અકાદમીના પ્રથમ સૂત્રધાર-પ્રો.માર્કન્ડ ભટ્ટ વિશે વ્યાખ્યાન આપ્યું
વડોદરા, તા. 9 ફેબ્રુઆરી 2020, રવિવાર
રંગભૂમિના પ્રથમ હરોળના નટ, દિગ્દર્શક અને થિયેટરપ્રેમી એવા પ્રો.માર્કન્ડ ભટ્ટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીને આગળ લઈ જવા ભગીરથ પ્રયત્નો કર્યા હતા. તેમણે એક સ્વપ્ન સેવ્યું હતું કે, ગુજરાત સંગીત નાટક અકાદમી સરકારી અધિકારીઓના ચુંગલમાંથી મુક્ત રહે અને સંસ્કૃૃતિની ધરોહર બની રહે, એમ શિક્ષણશાસ્ત્રી અને રંગકર્મી સુભાષ બ્રહ્મભટ્ટે કહ્યું હતું.
એમ.એસ.યુનિ.ની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના ડ્રામા વિભાગના પ્રો.માર્કન્ડ ભટ્ટની ચોથી પુણ્યતિથિ નિમિત્તે ૯.ફેબુ્ર.ના રોજ સી.સી.મહેતા ઓડિટોરિયમ ખાતે 'પ્રો. માર્કન્ડ ભટ્ટ સ્મૃતિ પર્વ'નું આયોજન તેમને સ્થાપેલી ત્રિવેણી સંસ્થા દ્વારા કરાયું હતું. જેમાં રંગકર્મી સુભાષ બ્રહ્મભટ્ટે 'સ્વાયત અકાદમીના પ્રથમ સૂત્રધાર- પ્રો.માર્કન્ડ ભટ્ટ' વિશે વ્યાખ્યાન આપતા કહ્યું હતું કે, પ્રો.ભટ્ટના આગ્રહ અને પ્રયત્નને લીધે મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં ગુજરાત સંગીત, સાહિત્ય, નાટક અને નૃત્ય અકાદમી સ્વાયત્ત બની હતી.
પ્રો.ભટ્ટે ગુજરાત રાજ્ય અકાદમીનું બંધારણ ઘડવા માટે મોટી હામ ભરી હતી. સાંસ્કૃતિક નીતિ તૈયાર કરવા ગુજરાતના કલાકારો સાથે ચર્ચા કરી હતી અને બાદમાં એક પેપર તૈયાર કરીને સરકારને આપ્યું હતું. જેમાં કલાકારો અને કલાની સંસ્થાનું સ્થાન મોખરે હોવું જોઈએ અને કલાકારોને સતત પ્રોત્સાહન મળતુ રહેવું જોઈએ તે વાત સ્પષ્ટ કહી હતી.
પ્રો.માર્કન્ડ ભટ્ટે કહેલું કલાનો પ્રવાહ અવિરત ચાલુ રાખવા સંગીત, નાટક, નૃત્ય અને કલાનું શિક્ષણ શાળા કક્ષાએ જ ઊભુ થવું જોઈએ. દરેક શાળાનું પોતાનું રંગમંચ અને કલાના શિક્ષક હોવા જોઈએ.
પ્રો.માર્કેન્ડ ભટ્ટનું સ્વમાની હોવાનું એક જમાપાસું હતું
રંગકર્મી પ્રિ.સુભાષ બ્રહ્મભટ્ટે કહ્યું કે, સંગીત નાટક અકાદમીમાં પ્રો.ભટ્ટ સાથે છ વર્ષ કામ કર્યું છે. તેઓ સ્વભાવે ખૂબ સ્વમાની હતી જે તેઓનુ જમાપાસું હતું. એ સમયમાં તેમણે સરકારી ગાડી અને ડ્રાઈવર લીધા નહોતા કારણકે તેઓ માનતા ગાડી રાખે તો સરકારની શેહ શરમમાં તણાવું પડે. એટલે તેનો અસ્વીકાર કરીને જ્યારે પોતાનું સ્વમાન ભંગ થાય ત્યારે સીધા પદ પરથી ઉતરી શકાય.
વિશ્વામિત્રી તો મહાન નદી છે જ પણ...
સ્મૃતિ પર્વમાં શહેરના વિવિધ કલાકારો દ્વારા તૈયાર કરેલ નવતર શૈલીની નવલી ભવાઈ 'વાયબ્રન્ટ વડોદરા' રજૂ કરાઈ હતી. જેમાં તેઓએ વડોદરાના વિવિધ રુપ, યુવાનોની વિચારશૈલી, હાર્દિક પંડયાની સગાઈ, ટ્રાફિક નિયમોના ભંગ, વિશ્વામિત્રીનો પ્રશ્ન વગેરેને રમૂજી રીતે ભવાઈમાં પ્રસ્તુત કરી હતી. વિશ્વામિત્રી નદી વિશે તેઓએ કહ્યું 'વિશ્વામિત્રી તો મહાન નદી છે જ.. પણ કેમ સ્માર્ટ સીટીના સ્માર્ટ લોકો ધ્યાન રાખતા હોય એવું મને નથી દેખાતું..'
આઝાદી બાદ ભવાઈ ભૂલાઈ ગયેલી
પ્રિ.સુભાષ બ્રહ્મભટ્ટે કહ્યું કે, આઝાદી બાદ ભવાઈ ભૂલાઈ જ ગઈ હતી, તેને આઉટડેટેડ માનવા લાગ્યા હતા ત્યારે પ્રો.માર્કન્ડ ભટ્ટે ભવાઈના સ્વરુપને પુનઃવિકસિત કરવા પ્રયત્નો કરેલા હતા. ૧૯૬૦થી લઈ ૨૦૦૦ના દાયકા સુધી તેમણે કરેલા નવી રંગભૂમિને જીવંત રાખવાના પ્રયત્નો બેનમૂન હતા.