ગુજરાતના પુરાતત્વ ખાતામાં નિયામક સહિતની અનેક જગ્યાઓ વર્ષોથી ખાલી
સરકારે રસ જ ન લેતા જગ્યાઓ ન ભરાવાથી છેલ્લા થોડા વર્ષોમાં કેટલીક વર્તુળ કચેરીઓ બંધ-મર્જ થતા હાલ માત્ર ત્રણ જ વર્તુળ કચેરી
તાજેતરમા વર્લ્ડ હેરિટેજ સપ્તાહ ની ઉજવણી થઈ છે
અમદાવાદ,બુધવાર
તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સપ્તાહનીઉજવણી કરવામા આવી છે ત્યારે ગુજરાતના પુરાતત્વ ખાતામાં વર્ષોથી નિયામક સહિતની ખાલી પડેલી જગ્યાઓને લીધે હાલ પુરાતત્વ ખાતાનો વહિવટ જ પુરાતન થઈ ગયો છે.ઉપરાંત સરકારે હેરિટેજની સાચવણી તથા પુરાતત્વ ખાતાના વિસ્તરણ વિકાસમા રસ ન લેતા છેલ્લા થોડા વર્ષોમાં કેટલીક વર્તુળ કચેરીઓ બંધ અને મર્જ થતા હાલ અમદાવાદ,રાજકોટ અને ભુજ સહિતની ત્રણ જ વર્તુળ કચેરીઓ છે.
ગુજરાત સરકારમાં યુવા.સાંસ્કૃતિક અને રમતગમત મંત્રાલય હેઠળ પુરાતત્વ ખાતુ આવે છે અને આ પુરાતત્વ ખાતામા એટલે કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની મુખ્ય કચેરી ગાંધીનગરમાં છે.જેમાં મુખ્ય નિયામક એટલે કે ડાયરેકટરની જગ્યા છે.આ જગ્યા ત્રણ વર્ષથી ખાલી છે.આ ઉપરાંત ત્રણ આસિસ્ટન્ટ ડાયરેકટરની જગ્યા છે જેમાંથી હાલ બે જગ્યા ખાલી પડી છે. . આ ઉપરાંત નવી મંજૂર થયેલી આસિસ્ટન્ટ ઈજનેરની પણ ૩ જેટલી જગ્યા ખાલી છે.જ્યારે કોન્ઝર્વેશન આસિસ્ટન્ટની પણ ૩ જેટલી જગ્યા ઘણા સમયથી ખાલી પડી છે.જ્યારે અધિકારી વર્ગની વહિવટી અધિકારીની જગ્યા પણ ખાલી પડી છે. વધુમાં લેબોરેટરી આસિસ્ટન્ટ-ટેકનિશિયનની પણ જગ્યા ખાલી પડી છે.
મહત્વનું છે કે સરકારે રસ ન લેતા અને બેદરકારી દાખવતા સ્ટાફના અભાવે બેથીત્રણ વર્તુળ કચેરી છેલ્લા કેટલાક વર્ષોમાં બંધ થઈ અને મર્જ કરવી પડી.ટ્રાયબલ એરિયામાં સંશોધન અને હેરિટેજ વિકાસ માટે વર્ષો પહેલા દાહોદમા અલગ વર્તુળ કચેરી શરૃ કરાઈ હતી.જેને બાદમાં ઓછા સ્ટાફને લઈને સુરત કચેરીમાં મર્જ કરાઈ અને ત્યારબાદ સુરત કચેરીમાં પણ ઓછા સ્ટાફને લીધે આ બંને કચેરીઓ વડોદરા વર્તુળ કચેરીમાં મર્જ કરી દેવાઈ છે.આ ઉપરાંત જુનાગઢમાં પણ વર્તુળ કચેરી હતી જે પણ કેટલાક કારણોસર અને સ્ટાફના અભાવને લીધે રાજકોટની મુખ્ય વર્તુળ કચેરીમાં મર્જ કરી દેવાઈ.
જ્યારે વડોદરા વર્તુળ કચેરીમાં પુરાતત્વ અધિક્ષક સહિતની જગ્યાઓ ખાલી રહેતી વડોદરા કચેરી પણ હાલ બંધ હાલતમા છે અને તેનો થોડો સ્ટાફ અમદાવાદ કચેરીમાં બેસે છે.આમ વડોદરા કચેરી પણ બંધ જેવી હાલતમા જ છે,જો નવો સ્ટાફ ભરાશે તો વડોદરા કચેરી ચાલુ થશે. પુરાતત્વ ખાતામા હાલ અમદાવાદ,રાજકોટ અને ભુજ સહિતન ીમાત્ર ત્રણ જ મુખ્ય વર્તુળ કચેરીઓ રહી છે.જેમાં પણ અમદાવાદ અને રાજકોટ બંને કચેરીઓમાં માં આસિસ્ટન્ટ ડાયરેકટર તથા અધિક્ષક પુરાતત્વ વિદ (સુપ્રિન્ટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ)ની જગ્યાઓ ખાલી પડી છે.ઉપરાંત ભુજ કચેરીમાં પણ અધિક્ષક પુરાતત્વવિદની જગ્યા ખાલી પડી છે.વર્તુળ કચેરીઓ અને મુખ્ય કચેરીઓ સાથે પુરાતત્વ ખાતામાં કુલ મળીને વર્ગ ૧થી માંડી વર્ગ ૩ સુધીની ટેકનિકલ અને નોન ટેકનિકલ સહિતની ૩૦થી વધુ જગ્યાઓ ખાલી પડી છે.
જાણવા મળતી માહિતી અનુસાર જીપીએસસી દ્વારા ડાયરેકટર અને આસિસ્ટન્ટ ડાયરેકટરની જગ્યાઓ માટે જાહેરાત અપાઈ છે પરંતુ ભરતી પ્રક્રિયામા ડાયરેકટર મળી શક્યા નથી.જ્યારે ત્રણ આસિ.ડારેકટરની જગ્યામાંથી એકમાં જભરતી થતા આસિ.ડાયરેકટરને એક વર્ષથી ડાયરેકટરનો ચાર્જ સોંપવામા આવ્યો છે.એવી પણ ફરિયાદ ઉઠી છ ેકે સરકાર દ્વારા નવી અને ખાલી જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી દેવાઈ છે પરંતુ જીપીએસસી દ્વારા યોગ્ય સમયે ભરતી થઈ નથી.જીપીએસસી દ્વારા અધિક્ષક પુરાતત્વવિદની પણ હજુ સુધી ભરતીની જાહેરાત અપાઈ ન હોવાની ફરિયાદ છે.