વડોદરામાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર ક્રિસ્ટલ પ્રમુખ સાઈટના બિલ્ડર મનીષ પટેલની પત્નીની ધરપકડ
વડોદરા,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરામાં ક્રિસ્ટલ પ્રમુખના નામે સાઈટ ઊભી કરી બુકિંગ કરાવનાર દુકાન તેમજ શોપના ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર મનીષ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી છે.
કિયા બિલ્ડટેક અને કિયા રિયાલિટીના નામે ન્યુ વીઆઇપી રોડ પર ખોડીયાર નગર નજીક પ્રમુખ ક્રિસ્ટલ સાઇટ બનાવનાર બિલ્ડર મનીષ પટેલ સામે એક ડઝનથી વધુ ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
મનીષ પટેલને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી ત્યારે તેની પત્ની રૂપલ પટેલે પોલીસ સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું અને પતિ મનીષને પોલીસના હાથમાંથી છોડાવી ફરીથી મકાનમાં લઈ ગઈ હતી. જેથી મનીષની ધરપકડ કરવા માટે પોલીસને કલાકો સુધી બહાર બેસી રહેવું પડ્યું હતું અને આખરે મનીષે સરેન્ડર કર્યું હતું.
મનીષ તેમજ કેટલીક સ્કીમોમાં તેની ભાગીદાર પત્ની સામે પોલીસે ખેતરપિંડીના એક ડઝન ગુના ઉપરાંત રૂપલ સામે પોલીસના કામમાં દાખલગીરી કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગોરવા પોલીસે ગઈકાલે રૂપલ પટેલ(વૃંદાવન સોસાયટી ઇલોરાપાર્ક શાક માર્કેટ પાસે)ની પોલીસના કામમાં રૂકાવટ બદલ નોંધાયેલા કેસમાં ધરપકડ કરી હતી.