Get The App

પારિવારિક સંબધ કેળવીને ૪૨ લાખનું રોકાણ કરાવીને છેતરપિંડી કર્યાની રાવ

નિકોલમાં રહેતી વિધવા મહિલા સાથે છેતરપિંડી

મામલતદાર કક્ષાના અધિકારીના પુત્ર સાથે મોબાઇલ શોપમાં ભાગીદારી સામે વળતર ન આપ્યાનો આક્ષેપ

Updated: Jun 29th, 2024

GS TEAM


Google News
Google News
પારિવારિક સંબધ કેળવીને  ૪૨ લાખનું રોકાણ  કરાવીને છેતરપિંડી કર્યાની રાવ 1 - image

અમદાવાદ, શનિવાર

શહેરના નિકોલમાં રહેતી મહિલા સાથે પારિવારિક સંબધ કેળવીને નિયમિત રીતે વળતર મળી શકે તેવી ખાતરી આપીને મામલતદારે રૂપિયા ૪૨ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.  જેમાં પ્રતિમાસ ૫૦ હજારની નિયમિત આવકની ખાતરી આપી હતી. તેમ છતાંય, તેમને નિયમિત રીતે નાણાં ચુકવાયા નહોતા અને ત્યારબાદ આપવાનું બંધ કરીને છેતરપિંડી કરવામાં આવી હતી.  જે અંગે નિકોલ પોલીસમાં દાદ માંગતા તપાસ શરૂ કરવામાં આવી છે.શહેરમા નિકોલમા સ્મિતાબેન (નામ બદલેલ છે) તેમની પુત્રી સાથે રહે છે.તેમના પતિએ આર્થિક કારણસર એપ્રિલ ૨૦૧૮માં કઠલાલ ખાતે આત્મહત્યા કરી હતી.  આ સમયે કઠલાલમાં તે સમયના ત્યાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર પટેલે મહિલા મૃતક પતિના મિત્ર હોવાના સંબધથી દુષ્પ્રેરણાના કેસમાં  મદદ કરી હતી.  ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં સ્મિતાબેન અમદાવાદ ખાતે શિફ્ટ થયા હતા. વર્ષ ૨૦૨૦ના ઓક્ટોબર મહિનામા ધર્મેન્દ્ર પટેલે તેમના પુત્ર હારિત સાથે સ્મિતાબેનની પુત્રીના સંબધની વાત  કરી હતી.  સ્મિતાબેનને પુત્ર ન હોવાથી તેમજ ધર્મેન્દ્ર પટેલ સાથે પારિવારિક સંબધ હોવાથી આ વાતનો સ્વીકાર કર્યો હતો. જો કે આ સમયે તેમની પુત્રી સગીર  હોવાથી તે  પુખ્ત થાય ત્યારે  નિર્ણય લેશે. તેમ  કહ્યું હતું. આ દરમિયાન હારિત પટેલ અને સ્મિતાબેનની પુત્રી વચ્ચે મિત્રતાના સંબધો હતા. બીજી તરફ માર્ચ ૨૦૨૦માં ધર્મેન્દ્ર પટેલે  ગોતા બ્રીજ પાસે એક કાફે શરૂ કરવાનું હોવાથી સ્મિતાબેનને ભાગીદારીની ઓફર કરી હતી. આ સમયે તેમની પાસે કોઇ આવક ન હોવાથી તેમણે ડીલ મંજૂર કરીને બચતના તેમજ મિત્ર વર્તુળ પાસેથી  ૪૨ લાખ રૂપિયા લઇને રોકાણ કર્યું હતું. આ સમયે તેમને વળતર માટે મહિને ૫૦ હજાર મળી શકે તેવુ આયોજન કર્યું હતું. પરંતુ, તેમને નિયમિત રીતે આ રકમ ચુકવવામાં આવતી નહોતી.  તે પછી આ જગ્યા પર દબાણ હોવાથી કાફે બંધ થયું હતું. ત્યારબાદ કઠલાલ ખાતે હારિત પટેલના નામે ચાલતી મોબાઇલ ફોનની શોપમાં ભાગીદારી આપીને કરાર કર્યો હતો. તે પછી નિયમિત રીતે વળતર આપવામાં આવતું ન હોવાથી  સ્મિતાબેનની આર્થિક સ્થિતિ કથળતા તેમણે મકાન મોર્ગેજ લોન  લીધી હતી અને અને વ્યાજે નાણાં પણ લેવાનો વારો આવ્યો હતો. તેમણે આ બાબતે જાણ કરી હોવા છતાયંતેમને નાણાં પરત ન થતા આ અંગે નિકોલ પોલીસ પાસે જરૂરી પુરાવા સાથે  દાદ માંગતા તપાસ શરૂ કરવામાં આવી છે.

Tags :