આદિવાસી વિદ્યાર્થિનીઓએ બિનઉપયોગી વસ્તુઓમાંથી સુશોભનની ચીજો બનાવી
દેશભરમાંથી આવેલા ૧૪૦ મેકર્સે વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા
એમ.એસ.યુનિ.ના મેકર્સ ફેસ્ટ
વડોદરા, તા. 18 જાન્યુઆરી 2020, શનિવાર
એમ.એસ.યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં તા.૧૮અને ૧૯ બે દિવસીય મેકર્સ ફેસ્ટનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી આવેલા ૧૪૦ મેકર્સે વિવિધ વિષયો પર પ્રોજેક્ટ રજૂ કર્યા છે. નેત્રંગ તાલુકાના શણકોઈ ગામની સ્કૂલમાં ભણતી ગરીબ અને અનાથ આદિવાસી વિદ્યાર્થિનીઓ પગભર થવા અત્યારથી મહેનત કરી છે. તેઓએ ગામડામાં મળતા વાંસ, લાકડા અને કંતાનમાંથી તેમજ બિનઉપયોગી પ્લાસ્ટિકમાંથી ઘર સુશોભનની વસ્તુઓ બનાવી હતી.
એમ.એસ.યુનિ. અને યુવાલયના સંયુકત ઉપક્રમે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે મેકર્સ ફેસ્ટનું આયોજન કરાયું છે. જેમાં ૭૦ ટીમના ખેતી, ગ્રામીણ, શિક્ષણ, આર્ટ, ટેકનોલોજી, પર્યાવરણ, ગ્રામીણ વગેરે વિષય પર ૫૦ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આઈઆઈટી ગાંધીનગરથી આવેલા જર્નાદન અને તેની ૧૫ લોકોની ટીમે પ્લે હાઉસથી લઈ એન્જિનિયરિગના વિદ્યાર્થીઓને મદદરુપ થાય તેવા લાકડા અને પૂઠ્ઠામાંથી ૫૦૦ મોડેલ્સ બનાવ્યા છે. તેમણે કહ્યું કે, ૨૦૦૦ વર્ષ પહેલા ચીનના રાજાએ ફરમાન કરેલું કે મારો રથ એવો બનાવો કે તે જ્યાં પણ જાય પરંતુ તેનો મુખ ફરીને રાજધાની તરફ જ આવવું જોઈએ. ત્યારે આ રથનું મુખ ૩૬૦ ડિગ્રીમાં ફરે તેવુ બનાવામાં આવ્યું હતું. આ જ મેકેનિઝમ આટલા વર્ષો પછી પણ દરેક વાહનમાં ઉપયોગ કરાય છે.