Get The App

મકરપુરા જીઆઈડીસીમાં ૨૦૦૫ બાદ રસ્તા બન્યા નથી, પીવાના પાણીની સુવિધા નથી

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
મકરપુરા જીઆઈડીસીમાં ૨૦૦૫ બાદ રસ્તા બન્યા નથી, પીવાના પાણીની સુવિધા નથી 1 - image

વડોદરાઃ દર વર્ષે  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને વેરા તરીકે ૪૦ કરોડ રુપિયા ચૂકવતા મકરપુરા જીઆઈડીસીના ૪૦૦ જેટલા ઉદ્યોગો કોર્પોરેશન દ્વારા જીઆઈડીસીની થઈ રહેલી સતત ઉપેક્ષાના કારણે કંટાળી ગયા છે.ઉદ્યોગોના સંગઠન વીસીસીઆઈએ  કોર્પોરેશનની સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરુ કરવાની ચીમકી આપી છે.

વીસીસીઆઈના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલ અને હોનરરી સેક્રેટરી જલેન્દુ પાઠકનું કહેવું છે કે, મકરપુરા જીઆઈડીસી વડોદરા કોર્પોરેશનની હદમાં આવતી એક માત્ર જીઆઈડીસી છે.૧૯૬૮માં તેની સ્થાપના થઈ હતી.અહીંયા ૪૦૦ જેટલા ઉદ્યોગોમાં ૪૦૦૦૦ જેટલા લોકો રોજગારી મેળવે છે. આ જીઆઈડીસીમાં ૧૯૭૦માં ગટરો બની હતી અને એ પછી કોર્પોરેશનનો એક પણ અધિકારી કે નેતાઓ ગટરોની શું હાલત છે તે જોવા નથી આવ્યા.જીઆઈડીસીમાં છેલ્લે ૨૦૦૫માં રસ્તા બન્યા હતા.૪૦ કરોડ રુપિયા વેરા તરીકે દર વર્ષે ઉદ્યોગો આપે છે પણ કોર્પોરેશન પીવાના પાણીના જોડાણો આપવામાં નિષ્ફળ ગયું છે.ઉદ્યોગો પીવા માટે રોજ હજારો જગ બહારથી મંગાવે છે. અન્ય વપરાશ માટે બોરવેલ પર નિર્ભર છે.

તેમના કહેવા પ્રમાણે આખા શહેરમાં કોર્પોરેશને દબાણો હટાવવાની ઝુંબેશ શરુ કરી છે પણ મકપુરા જીઆઈડીસીમાં ફાટેલો દબાણોનો રાફડો કોર્પોરેશનને દેખાતો નથી.સાફ સફાઈના ઠેકાણા નથી.ચારે તરફ કચરાના ઢગલા છે.જીઆઈડીસી પાસે કરોડો રુપિયા વેરા તરીકે  ઉઘરાવતા કોર્પોરેશનને જીઆઈડીસીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની પડેલી જ નથી અને બીજી તરફ રાજ્ય સરકાર એમએસએમઈને પ્રોત્સાહન આપવાના મોટા મોટા બણગા ફૂંકે છે.જો વેરો ભરવો ઉદ્યોગોની ફરજમાં આવે છે તો સુવિધાઓ લેવી તે પણ ઉદ્યોગોને હક છે.

વીસીસીઆઈએ તમામ ઉદ્યોગોેને પરિપત્ર મોકલ્યો

કોર્પોરેશના શાસકોએ મોઢુ ફેરવી લીધું છે, હવે સહન થાય તેમ નથી

ગટરોની સફાઈના અભાવે દર ચોમાસામાં ઉદ્યોગોને કરોડોનું નુકસાન થાય છે, ભારદારી વાહનોનું આડેધડ પાર્કિંગ 

વીસીસીઆઈએ મકરપુરા જીઆઈડીસીના તમામ ઉદ્યોગોને મોકલેલા સરક્યુલરમાં ધારદાર મુદ્દા ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, કોર્પોરેશન સહિત સરકારના તમામ વિભાગોએ જીઆઈડીસી તરફથી મોઢું ફેરવી લીધું છે અને હવે આ સહન નહીં થાય.ઉદ્યોગો માટે પાયાની પાણી, રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઈટની સુવિધા પણ જીઆઈડીસી પાસે નથી.ચોમાસામાં જીઆઈડીસીમાં પાણી ભરાય છે અને ઉદ્યોગોને કરોડ રુપિયાનું નુકસાન સહન કરવું પડે છે.કારણકે જીઆઈડીસીની વચ્ચેથી પસાર થતી ગટરની સફાઈ થતી નથી.જીઆઈડીસીમાં કામ કરતા હજારો કામદારો માટે એસટી બસનુ સ્ટોપેજ સુધ્ધા નથી.જીઆઈડીસીમાં ભારદારી વાહનો આડેધડ પાર્ક કરવામાં આવે છે તો તેના માટે પાર્કિંગ ઝોન બનાવવાનું કોર્પોરેશનના શાસકોને સૂઝતું નથી.જીઆઈડીસીમાં ચારે તરફ લારી, ગલ્લા, પથારા અને ઝુપડપટ્ટીઓ જાણે જીઆઈડીસીની ઓળખ બની ગયા છે પણ  કોર્પોરેશન ઉંઘે છે.કોર્પોરેશન લારી ગલ્લા માટે હોકિંગ ઝોન પણ બનાવી શકે છે.

તો ઉદ્યોગો બીજે સ્થળાંતર કરી જશે

વીસીસીઆઈનું કહેવું છે કે, ખાનગી જીઆઈડીસીઓ એટલે ધમધમી રહી છે કે, સરકારી જીઆઈડીસીઓમાં સુવિધાઓનો અભાવ છે.મકરપુરા જીઆઈડીસીમાંથી પણ સુવિધાઓના અભાવે ઉદ્યોગો સ્થળાંતર કરી જાય તેવો ભય છે. ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જું ગણાતા નાના અને મધ્યમકદના ઉદ્યોગો સાથે કોર્પોરેશન અને સરકાર ભેદભાવભરી નીતિ અપનાવી રહી છે.

ઉદ્યોગોની સમસ્યાઓનો સર્વે શરુ કરાયો, સૂચનો પણ મંગાવાયા

જીઆઈડીસીના તમામ ઉદ્યોગો કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે અંગે એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને તેના તારણો પણ સાર્વજનિક કરવામાં આવશે.આ સર્વેના ભાગરુપે તમામ ઉદ્યોગોને એક ફોર્મ મોકલીને તેમને ત્યાં કેટલા કર્મચારીઓ કામ કરે છે, કેટલો વેરો ભરે છે, પાણી-સફાઈ- લાઈટની સગવડ છે કે નહીં, સરકારના કામથી તમે ખુશ છો કે નહીં..તેવી જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે.ઉપરાંત ઉદ્યોગો પાસે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે.


Google NewsGoogle News