'આપ'માં ગાબડું : મહેશ સવાણી અને લોકગાયક સુંવાળાએ પક્ષ છોડયો
આપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, વધુ રાજીનામાં પડશે
વિજય સુંવાળાએ કેસરિયો ખેસ ધારણ કર્યો, સવાણીએ 'આપ'ના પ્રમુખ તરીકે યોગ્ય કામગીરી ન કરી શકતા નીકળી જવાની ફરજ પડી
અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીઓને આડે દસેક મહિનાની વાર છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડયુ છે. લોકગાયક વિજયસુંવાળાએ આપનું ઝાડુ છોડીને કમળ ઝાલ્યુ છે.
આ ઉપરાંત આપના અગ્રણી નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપને અલવિદા કર્યુ છે. તેમણે હાલ રાજકીય સંન્યાસ લીધો છે પણ આવનારાં દિવસોમાં તેઓ ઘરવાપસી કરે તેવા એંધાણ મળી રહ્યા છે.
આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ છે જેનાથી આપના ટોચના નેતાઓ ઘણાં સમયથી વ્યથિત છે. ગાયક કલાકાર વિજય સુંવાળાનો આપ પ્રત્યેનો મોહ ભંગ થયો હતો. ગઇકાલે રાજીનામુ ધરી સુંવાળાએ એવુ જણાવ્યું હતુ કે, હું ગાયકીમાં ધ્યાન આપી શકતો નથી જેથી પક્ષ છોડી રહ્યો છું. પણ 24 કલાકમાં જ સુંવાળાના સૂર બદલાયા હતાં.
તેઓ આજે સમર્થકો સાથે કમલમમાં પહોચ્યા હતાં જયાં તેઓએ પ્રદેશ નેતાઓની ઉપસ્થિતીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં પ્રવેશ કર્યા બાદ તેમણે એવી પ્રતિક્રિયા આપી કે, હું મારા ઘેર પરત ફર્યો છું. મારી ત્રીજી પેઢી ભાજપ સાથે જોડાયેલી હતી. મારા મોભી જે પક્ષમાં હોય ત્યાં મારે પણ રહેવુ ંજોઇએ.
આ બાજુ, આ ઘટનાની થોડીવાર બાદ જ સુરતના ઉદ્યોગપતિ અને આપ નેતા મહેશ સવાણીએ પણ આપ છોડવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમનું કહેવુ છેકે, હું મારા પરિવારને સમય ફાળવી શકતો નથી. હોદ્દા કે મંત્રી બનવાનો મોહ નથી.
અત્યારે તો મે રાજકારણમાંથી સંન્યાસ લેવા નક્કી કર્યુ છે. કોઇનું દબાણ કે ડર નથી. જોકે, સુત્રોનું કહેવુ છેકે, ભાજપના દબાણને પગલે મહેશ સવાણી પણ ટૂંક જ સમયમાં કેસરિયો ખેસ ધારણ કરી ઘરવાપસી કરશે. થોડાક દિવસો પહેલાં જ આ જ મહેશ સવાણી ભાજપ વિરૂધ્ધ આમરણાંત ઉપવાસ પર બેઠાં હતાં.
નોંધનીય છેકે, કમલમમાં તોડફોડ કરવાની ઘટના બાદ પોલીસ કાર્યવાહી જ નહીં, રાજકીય દબાણને પગલે આપના નેતાઓ પક્ષપલટો કરવા મજબૂર બન્યા છે. જેના કારણે એક પછી એક નેતાઓ કેસરિયો ખેસ ધારણ કરશે તેવુ ચર્ચાઇ રહ્યુ છે.
કોંગ્રેસનો કટાક્ષ, આપના નેતાઓને પ્રમોશન, ભાજપની બી ટીમમાંથી એ-ટીમમાં પ્રવેશ મળ્યો
આપના ટોચના નેતા મહેશ સવાણીએ આપને અલવિદા કરી રાજકારણમાંથી સંન્યાસ લીધો છે જયારે ગાયક કલાકાર વિજય સુંવાળાએ આપ છોડી ભાજપમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે ત્યારે ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ છે.
કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે એવો આક્ષેપ કર્યો છેકે, આપના નેતાઓને પ્રમોશન મળ્યુ છે. ભાજપની બી ટીમમાંથી તેઓ ભાજપની એ ટીમમાં ગયા છે.તેમણે કટાક્ષ કર્યો છેકે, ભુવાજીને ખુબ ખુબ શુભેચ્છા, પક્ષપલટો કર્યા બાદ તેમણે ઘણી મજા આવશે કેમકે, ભાજપમા ડાકલાં વગાડનારા ઘણાં છે.
યુપીની ઇમેજ ગુજરાતના મતદારો પર હાવી ન થાય તે માટે ભાજપે ભરતી અભિયાન હાથ ધર્યું
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે રાજકારણ ગરમાયુ છે કેમકે, યોગી સરકારના જ મંત્રીઓ એક પછી એક ભાજપ છોડી રહ્યા છે. રાજકીય પંડિતોનુ અનુમાન છેકે, યોગી સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો ભાજપ સાથે છેડો ફાડી શકે છે આ કારણેસર ભાજપની રાજકીય પ્રતિષ્ઠા ખરડાઇ છે.
ગુજરાતમાં ભાજપે અત્યારથી જ વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરી છે ત્યારે ઉત્તરપ્રદેશની રાજકીય ઇમેજ ગુજરાતના મતદારો પર અવળી અસર કરે તેમ છે તેવા ડરથી ગુજરાત ભાજપે આપને નિશાન બનાવી છે અને ટોચના નેતાઓને પક્ષપલટો કરાવી ભરતી અભિયાન હાથ ધર્યુ છે. ગુજરાતમાં કોંગ્રેસ-આપના નેતાઓ ભાજપ સાથે જોડાઇ રહ્યા છે તેવુ રાજકીય ચિત્ર ઉભુ કરવા પ્રદેશ નેતાગીરી સક્રિય બની છે.