'સત્યના પ્રયોગો'ની અંગ્રેજીમાં સૌથી વધુ નકલ વેચાઇ છે, ગુજરાતી ભાષા ચોથા ક્રમે
મહાત્મા ગાંધીની આત્મકથાની કુલ ૫૭.૭૪ લાખ નકલ વેચાઇ
મલયાલમમાં માત્ર ૨૨ વર્ષમાં ૮.૨૪ લાખ, ગુજરાતીમાં ૯૨ વર્ષમાં ૬.૭૧ લાખ નકલ વેચાઇ
અમદાવાદ, મંગળવાર
'મારે તો આત્મકથાને
બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે...' રાષ્ટ્રપિતા મહાત્મા
ગાંધીએ તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો'ની પ્રસ્તાવનામાં
લખેલી આ વાત છે. ગુજરાતી આત્મકથાનું ગરવું ગિરિશૃંગ એટલે 'સત્યના પ્રયોગો.' અલબત્ત,
એ વાત જાણીને ચોક્કસ નવાઇ લાગી શકે છે કે પ્રાદેષિક ભાષામાં 'સત્યના પ્રયોગો' આત્મકથાનું
સૌથી વધુ વેંચાણ મહાત્મા ગાંધીની માતૃભાષા ગુજરાતીમાં નહીં પણ મલયાલમ ભાષામાં થયું
છે.
'સત્યના પ્રયોગો'ની
અંગ્રેજી ભાષામાં સૌથી વધુ ૨૦.૯૮ લાખ નકલ વેચાઇ છે. પ્રાદેષિક ભાષામાં 'સત્યના પ્રયોગો'
આત્મકથાની મલયાલમ ભાષામાં સૌથી વધુ ૮.૨૪ લાખ,
તામિલમાં ૭.૩૫ લાખ, ગુજરાતીમાં ૬.૭૧
લાખ જ્યારે હિંદીમાં ૬.૬૩ લાખ નકલનું વેચાણ થયું છે. આમ, હાલ ગુજરાતની હાલ જે વસતી
છે તેના ૧% જેટલી જ 'સત્યના પ્રયોગો'ની નકલ ગુજરાતીમાં વેચાઇ છે તેમ કહેવામાં અતિશયોક્તિ
નહીં ગણાય મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવી હતી તે 'નવજીવન ટ્રસ્ટ'ના મેનેજિંગ
ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, 'કેરળમાં ઊંચો સાક્ષર દર આ માટેનું એક મહત્વનું પરિબળ છે.
આ ઉપરાંત ગુજરાત કરતાં કેરળમાર્પુસ્તક વાંચનનું પ્રમાણ પણ વધારે છે. કેરળની શાળા-કોલેજો
દ્વારા ખૂબ જ વધારે સંખ્યામાં પુસ્તકો ખરીદવામાં આવે છે. આ કારણે મલયાલમ ભાષામાં સત્યના
પ્રયોગો આત્મકથાનું વધારે વેચાણ થયું છે તેમ કહી શકાય.'
આ આત્મકથાને ગુજરાતીમાં
૧૯૨૭માં જ્યારે મલયાલમમાં ૧૯૯૭માં પ્રસિદ્ધ કરાઇ હતી. આમ છતાં ગુજરાતી કરતાં કેરળ ભાષામાં
આ આત્મકથાનું વધારે વેચાણ થયું છે. આ આત્મકથાનું આસામિઝ, ઓડિશા, મણિપુરી, પંજાબી, કન્નડમાં
પણ અનુવાદ થયું છે. અત્યારસુધી 'સત્યના પ્રયોગો'ની કુલ ૫૭.૭૪ લાખ નકલ વેચાઇ ચૂકી છે.
૫૦૦ પાનાની આ આત્મકથાની કિંમત રૃપિયા ૨૦૦ છે. હવે આગામી દિવસોમાં જમ્મુ કાશ્મીરની ડોગરી
અને આસામની બોડો ભાષામાં પણ 'સત્યના પ્રયોગો' આત્મકથાનું વિમોચન કરવામાં આવશે. અગાઉ
૧૯૬૮માં પણ ડોગરી ભાષામાં તેને અનુવાદ કરાઇ હતી અને તેની ૧ હજાર નકલ પ્રસિદ્ધ કરાઇ
હતી. હવે આગામી જાન્યુઆરીમાં ડોગરી ભાષામાં ૫૦૦ નકલ સાથે તેને રજૂ કરાશે. આ ઉપરાંત ઓડિયો સીડી, પેન ડ્રાઇવથી
ઓડિયો વર્ઝનમાં પણ 'સત્યના પ્રયોગો' લોન્ચ કરવાની વિચારણા ચાલી રહી છે. 'સત્યના પ્રયોગો'માં
મહાત્મા ગાંધીએ પોતાના બાળપણથી ૧૯૨૧ સુધીના પ્રસંગો આવર્યા છે.
'સત્યના પ્રયોગો'
કઇ ભાષામાં સૌથી વધુ વેચાઇ?
ભાષા નકલ વેચાઇ
અંગ્રેજી ૨૦.૯૮ લાખ
મલયાલમ ૮.૨૪ લાખ
તમિલ ૭.૩૫ લાખ
ગુજરાતી ૬.૭૧ લાખ
હિંદી ૬.૬૩ લાખ