Get The App

115 વર્ષ પૂર્વે ગાંધીજીએ મહામારીથી બચવાના 21 મહામૂલા સૂચનો આપેલા

- 1905માં દક્ષિણ આફ્રિકામાં પ્લેગ વખતે ગાંધીજીએ સેવા કરેલી

- આજે મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ : પ્લેગથી બચવા માટે મહાત્મા ગાંધી સ્વચ્છતાનો આગ્રહ રાખતા

Updated: Oct 2nd, 2020

GS TEAM


Google News
Google News

અમદાવાદ, ગુરુવાર

'કોઇ વ્યક્તિને અચાનક તાવ આવે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ...., દરેક વ્યક્તિ માટે પોતાનું ઘર ચોખ્ખું રાખવું જરૃરી છે અને ગરમ પાણીથી પોતાં કરવા જોઇએ..., પ્રત્યેક વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ ડર રાખ્યા વિના રહે..., સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારી વ્યક્તિએ તુરંત જ તેના વસ્ત્રો ચોખ્ખા કરવા માટે મૂકવા જોઇએ...ઇન્ફેક્શન ધરાવતા સ્થળની ચીજવસ્તુનો ફરી ઉપયોગ કરવો નહીં...' આ સૂચનાઓ ભલે પ્રવર્તમાન સમયની લાગે પણ તે ૧૧૫  વર્ષ પુરાણી છે અને ૧૯૦૫માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં પ્લેગ ફાટી નીકળ્યા ત્યારે રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા આપવામાં આવેલી છે. હાલના સમયે કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે તેમ ૧૯મી સદીના પ્રારંભે પ્લેગે કેર વર્તાવ્યો હતો. જેના પગલે એ વખતના મોહનદાસ કરમચંદ ગાંધી અને અત્યારના આપણા દેશવાસીઓના 'બાપુ'એ પ્લેગથી કેવી રીતે બચવું તેની તકેદારી રાખતો આર્ટિકલ ૧૬ જાન્યુઆરી ૧૯૦૫ના 'ઇન્ડિયન ઓપિનિયન' માટે લખ્યો હતો. 

આજથી ૧૮૧૨ મહિના  એટલે કે બરાબર ૧૫૧ વર્ષ અગાઉ પોરબંદર ખાતે મહામાનવ એવા મહાત્મા ગાંધીએ જન્મ લીધો હતો. મહાત્મા ગાંધીના વિચારો આજના સમયે પણ એટલા જ પ્રસ્તુત છે. પ્લેગની સામે એક પછી એક લોકોના મૃત્યુ થઇ રહ્યા હતા ત્યારે દક્ષિણ આફ્રિકામાં નિવાસ કરી રહેલા મહાત્મા ગાંધીએ 'ઇન્ડિય ઓપનિયન'માં લખ્યું હતું કે, 'ફરી એક વખત કાળા વાદળો ઘેરાઇ ગયા છે. જો પ્રત્યેક વ્યક્તિ આ નિયમોનું પાલન કરશે તો તે બાબત તેમના ફાયદારૃપ પુરવાર થશે. પરંતુ તેનું પાલન નહીં કરવા પર તેમને ખૂબ જ નુકસાન પહોંચશે. વધુ મહત્વની વાત એ છે કે, તેના લીધે આપણા પર વધુ કેટલાક કાયદાનો બોજ મૂકાઇ શકાય છે.... ' મહાત્મા ગાંધીએ આ બાબત સાથે જ પ્લેગથી કઇ રીતે બચી શકાય તે અંગે ૨૧ સૂચનાઓ લખી છે. આ પૈકી ૪-૫-૧૧-૧૨-૧૩-૧૪-૧૫-૧૬-૧૭-૧૮માં ક્રમની સૂચનાઓ જાણે અત્યારના સમયની કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને પણ લખવામાં આવી હોય તેમ જણાશે. તેમણે પ્લેગથી બચવા માટે સમાજના દરેક વ્યક્તિને તકેદારી રાખવા સૂચના આપેલી છે. એટલું જ નહીં મ્યુનિસિપાલિટી સામે પણ આકરા શબ્દોનો ઉપયોગ કરેલો છે. ગાંધીજીએ કહ્યું છે કે, 'મ્યુનિસિપાલિટીના ગોરા અફસરો એવું પુરવાર કરવા મથી રહ્યા છે કે ભારતીયો ચોખ્ખાઇ નહીં રાખતા હોવાથી તેમનામાં પ્લેગ ફેલાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્લેગ મહામારી વકરતાં એ વખતા નગર કાઉન્સિલરે કેટલાક અસંવેદનશીલ પગલા ભરવાનું શરૃ કર્યું હતું અને જેના ભાગરૃપે પ્લેગના દર્દીઓને શહેરથી ૧૩ માઇલ દૂર ખૂલ્લા મેદાનમાં કેન્વાસના છાપરા નીચે રાખવામાં આવતા.

પ્લેગના દર્દીઓ સાથે આ પ્રકારે કરવામાં આવતી વર્તણૂકની પણ ગાંધીજીએ ટીકા કરી હતી. તેઓ માત્ર પ્લેગ નહીં પૂર્વગ્રહ સામે પણ લડતા હતા. જોહાનિસબર્ગમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે ૨૩ દર્દીઓ માટે મંત્રીએ સ્વંયસેવકોની વરણી કરી હતી અને તેમાં મહાત્મા ગાંધીનો પણ સમાવેશ થતો હતો. પરંતુ આ ૨૩ દર્દીઓ વચ્ચે મ્યુનિસિપાલિટીએ માત્ર એક નર્સ ફાળવતાં ૨૧ દર્દીઓના મૃત્યુ થયા હતા. પરંતુ ગાંધીજીની સ્વચ્છતાના આગ્રહ અને નીડર ડો. વિલિયમ ગોડફ્રેની સેવાને લીધે પ્લેગની અસર ઓછી કરવામાં સફળતા મળી હતી. કોરોના મહામારીએ પગપેસારો કર્યો ત્યારે અનેક નાના-મોટા નેતાઓ ઘરમાં જ પૂરાઇ રહ્યા હતા. પરંતુ ગાંધીજી આવી વિકટ સ્થિતિમાં પણ નાગરિકોની પડખે ઉભા રહ્યા હતા. આવી બાબતો જ મહાત્મા ગાંધીને મહામાનવ શા માટે ગણવામાં આવે છે તે પુરવાર કરે છે.

પ્લેગની મહામારી વખતે મહાત્મા ગાંધીએ નાગરિકોને કરેલા સૂચનો ઃ

૧.) હોસ્પિટલમાંથી સારવાર લઇને આવેલા દર્દીને સરકારની હેરાનગતીનો સામનો કરવો પડશે તેવું કોઇએ વિચારવું જોઇએ નહીં.

૨.) કોઇ વ્યક્તિને અચાનક તાવ કે અસ્થમાનો હુમલો આવે તો તાકીદે સરકારનો સંપર્ક કરવો જોઇએ.

૩. ) બિમારીમાં ડોક્ટરનો તાકીદે સંપર્ક કરવો હિતાવહ છે.

૪.) દરેક વ્યક્તિએ કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વિના જ્યાં હોય ત્યાં જ રહેવું જોઇએ.

૫.) પ્લેગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિએ તુરંત જ તેના વસ્ત્રોને ધોઇને તેમાંથી ઇન્ફેક્શન દૂર કરવું જોઇએ.

૬. ) નાણા બચાવવા માટે થઇને કોઇએ પણ પોતાની દૂકાન સાથે અટેચ  બેડરૃમ રાખવો જોઇએ નહીં.

૮.) દરેક વ્યક્તિએ પોતાનું ઘર ચોખ્ખું રાખવું.

૯. ) દરેક વ્યક્તિના ઘરમાં પૂરતા પ્રમાણમાં હવા ઉજાશ હોવા જોઇએ.

૧૦.) બારી ખુલ્લી રાખીને દરેકે ઉંઘવું જોઇએ.

૧૧.) દિવસ દરમિયાન અને રાત્રે પહેરવામાં આવતા વસ્ત્રો ચોખ્ખાં રાખવા જોઇએ.

૧૨.) હળવો અને સાદો ખોરાક લેવો જોઇએ.

૧૩.) રાત્રી ભોજનમાં વધારે પડતો ખોરાક કે ભવ્ય મિજબાની ટાળવી જોઇએ.

૧૪.) શૌચાલયમાં માટી અથવા કોલસા હોવા જોઇએ.

૧૫.) શૌચાલયની યોગ્ય રીતે સફાઇ કરવામાં આવે.

૧૬.) ઘરની જમીનને ઇન્ફેક્શન દૂર કરે તેવા દ્રવ્યોમાં ગરમ પાણી મિક્સ કરીને સાફ કરવી જોઇએ.

૧૭.) ઇન્ફેક્શન ધરાવતા સ્થળની ચીજવસ્તુનો ફરી ઉપયોગ કરવામાં ન આવે.

૧૮.) એક રૃમમાં બેથી વધુ વ્યક્તિએ ઉંઘવું જોઇએ નહીં.)

૧૯.) વ્યક્તિએ રસોડા-ડાઇનિંગ રૃમ કે કોઠારમાં ઉંઘવું જોઇએ નહીં.

૨૦.) ઉંદર પ્રવેશે નહીં માટે દિવાલમાં પ્લાસ્ટર કરવું જોઇએ.

૨૧.) જે વ્યક્તિ ચાર દિવાલની વચ્ચે જ સતત કામ કરે છે તેણે દરરોજ ખૂલ્લી હવામાં જઇને  વ્યાયામના ભાગરૃપે બે-ત્રણ માઇલ ચાલવું જ જોઇએ.

 

Tags :