GPSC કલાસ 1-2ની પરીક્ષામાં 50 ટકાથી ઓછી હાજરી નોંધાઈ
પ્રશ્નપત્રમાં 180ને બદલે 120 મિનિટ છપાતા પરીક્ષા પહેલાં તમામ સેન્ટરો પર સૂચના અપાઈ
અમદાવાદ : જીપીએસસી દ્વારા આજે ક્લાસ-1 અને 2ની 183 પોસ્ટ માટે પ્રિલિમ પરીક્ષા લેવાઈ હતી.જેમાં 45થી48 ટકા જેટલા ઉમેદવારોની હાજરી નોંધાઈ હતી.પ્રશ્નપત્ર પર 180ને બદલે 120 મીટિનનો સમય છપાતા પરીક્ષા પહેલા છેલ્લી ઘડીએ તમામ સેન્ટરોને આયોગ દ્વારા સૂચના આપી દેવાઈ હતી.
હેડકલાર્કની પરીક્ષાનું પેપર ફુટી જતા પરીક્ષા જ રદ કરવી પડી છે અને સમગ્ર રાજ્યમાં હાલ ભારે વિરોધ અને વિવાદ ઉભો થયો છે ત્યારે આ હોબાળા વચ્ચે આજે જીપીએસસી કલાસ 1-2ની પરીક્ષા લેવાઈ હતી.
જીપીએસસીની ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કલાસ-1 તેમજ ગુજરાત સિવિલ સર્વિસીસઝ કલાસ 1 અને 2 તથા ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસીસ કલાસ -2ની વિવિધ 183 જગ્યાઓ માટેની આજે રાજ્યભરમાં પ્રિલિમ લેખિત પરીક્ષા હતી.જે રાજ્યના 32 જિલ્લાના 785 કેન્દ્રો પર લેવાઈ હતી.
આ પરીક્ષા માટે 199669 ઉમેદવારો નોંધાયા હતા.જેમાંથી 1,56,394 ઉમેદવારોએ એટલે કે 78 ટકા ઉમેદવારે હોલ ટીકિટ ડાઉનલોડ કરી લીધી હતી પરંતુ પરીક્ષામાં 50 ટકાથી પણ ઓછા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 45થી48 ટકા જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
પ્રશ્નપત્ર પર ત્રણ કલાકને બદલે બે કલાકનો એટલે કે 120 મીનિટનો સમય છપાયો હતો.આ ટાયપોગ્રાફીક એરર ધ્યાનમાં આવતા જ તમામ કેન્દ્રો પર 180 મીનિટ જ ધ્યાને લેવાની સૂચના આપી દેવાઈ હતી.