કમ્પ્યુટર ઓપરેટરો સાથે રોજ ઘર્ષણના કિસ્સા
રેશનકાર્ડમાં ફરજિયાત અને શાળાઓમાં વિદ્યાર્થીઓને દબાણ કરાતા નાગરિકો દોડતા થયા
નડિયાદમાં ડભાણ રોડ સ્થિત કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીના જન સુવિધા કેન્દ્રમાં હાલ ઈ-કેવાયસી માટે નડિયાદ શહેર અને તાલુકામાં આવતા ગ્રામ્ય વિસ્તારના નાગરીકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ માટે ઈ-કેવાયસી કરવા માટે શાળાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યુ છે. બીજી તરફ સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ઈ-કેવાયસી ફરજિયાત કરી દેવાયું છે. સરકારના આ નિર્ણયથી નાગરીકોએ મામલતદાર કચેરી તરફ આંધળી દોટ મૂકી છે. સરકાર દ્વારા તા. ૩૧ ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે, છતાં લોકો કચેરીઓમાં ભીડ જમાવી રહ્યા છે. લાંબી કતારોના લીધે કેટલાય લોકો કમ્પ્યુટર ઓપરેટરોની પરીસ્થિતિનો વિચાર કર્યા વગર તેમની સાથે બેફામ વર્તન કરી રહ્યા છે. આ વચ્ચે કમ્પ્યુટર ઓપરેટરો, જનસુવિધા કેન્દ્ર અને રેશનિંગના કામ સાથે સંકળાયેલા અધિકારીઓથી લઈ કર્મચારીઓ રજાઓના દિવસે પણ કામગીરી કરવા મજબૂર બન્યો છે. સરકારના નિર્ણયથી કામ-ધંધો, નોકરીમાં રજા મૂકી અરજદારો ઈ-કેવાયસી કરાવવા મજબૂર બન્યા છે. ત્યારે લોકો ઈ-કેવાયસી કરવા માટે ધિરજ રાખે અને શાંતિપૂર્ણ રીતે સરકારી કામગીરીમાં સહયોગ આપે તેવી અપીલ મામલતદાર પ્રશાસન દ્વારા કરાઈ છે.


