વડોદરા: પશુપાલકના કહેવાથી ગાય છોડી મુકતા લોકોનો હોબાળો
- ગોપાલકો અને દબાણ શાખાના કર્મચારીઓ વચ્ચેની મીલીભગત અંગે સ્થાનિક રહીશોનો આક્ષેપ
વડોદરા,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર
વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલી પરાગરજ સોસાયટીમાં પશુપાલકના કહેવાથી કોર્પોરેશનના કર્મચારીઓએ ગાયને છોડી મૂકવા મામલે ભારે હોબાળો મચ્યો હતો. અને પાલિકાના કર્મચારીઓએ તથા પશુપાલકે ધમકી આપી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો છે.
તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ દૂર કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તે માટે પશુઓના ટેગીંગ તથા પકડવાની કામગીરી ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે ન્યુ વીઆઇપી રોડ ઉપર 24 કલાક મુખ્ય માર્ગ ઉપર ઢોરઢાંખર અડિંગો જમાવી બેસે છે. જ્યાં પાલિકાની કામગીરી પણ નબળી પુરવાર થતી હોય છે. તેવામાં શહેરના હરણી વારસીયા રિંગ રોડ ઉપર આવેલી પરાગ રજ અને રાજ લક્ષ્મી સોસાયટી માં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓના ત્રાસનો સામનો સ્થાનિક રહીશો કરી રહ્યા છે. આજે સવારે પાલિકાની ટીમ ગાયો પકડવાની કામગીરી અર્થે નીકળી હતી તે સમય પરાગ રજ અને રાજ લક્ષ્મી સોસાયટી માં પાલિકાના કર્મચારીઓએ ગાય પકડયા બાદ પશુપાલકના કહેવાથી ગાય છોડી મુકવાના મામલે હોબાળો મચ્યો હતો. સ્થાનિક રહીશ ગૌરવ પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશન નગરજનોને ઉલ્ટા ચશ્મા પહેરાવી રહ્યું છે. ગાય પકડવાના બદલે આખલા પકડી આંકડો વધારે છે. મારી સામે કોર્પોરેશનના કર્મચારીઓએ એક ગાય પકડી પરંતુ તે સમયે નજીકમાં રહેતો પશુપાલક આવી ચડ્યો હતો. અને તેણે માત્ર અધિકારીઓને એટલું કહ્યું કે આ ગાય છે છોડી દો. અને તરત જ પાલિકાના અધિકારીઓએ તે વાત માની લઈ ગાયને છોડી મૂકી હતી. જેથી પાલિકાના કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે સાંઠગાંઠની શક્યતા છતી થાય છે.