For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંધીનગર જિલ્લાના મતદાન મથકમાં સ્થાનિક પોલીસને ફરજ સોંપાશે નહીં

Updated: Nov 22nd, 2022

Article Content Image

પાંચ વિધાનસભા બેઠકો ઉપર પક્ષપાતના આક્ષેપો ટાળવા

ચારેય તાલુકાની પોલીસને અરસપરસ ફરજ સોંપવામાં આવશે ઃ ૧૧થી વધુ ક્વીક રીસ્પોન્સ ટીમ પણ રખાશે

ગાંધીનગર :  જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે મતદાન મથકો ઉપર સઘન સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવશે.જિલ્લામાં ૧૩૫૦ મતદાન મથકો માટે બે હજારથી વધુ પોલીસ, ૧૩૬૫ હોમગાર્ડ જવાનો અને સેન્ટ્રલ પેરા મીલીટરી ફોર્સની કંપની તૈનાત રાખવામાં આવશે. જે પૈકી બે કંપની ગાંધીનગર આવી ચુકી છે. મતદાનના દિવસે મતદાન મથકો ઉપર કોઈ પક્ષપાતી વલણ ના થાય તે હેતુથી સ્થાનિક પોલીસને ફરજ સોંપવામાં આવશે નહીં.

જિલ્લામાં પાંચેય બેઠકોમાં કુલ ૧૩૫૦ જેટલા મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી સૌથી વધારે મતદાન મથક ગાંધીનગર દક્ષિણ બેઠકમાં ૩૫૧ થાય છે જ્યારે સૌથી ઓછા મતદાન મથક કલોલમાં ર૩૭ છે જ્યારે દહેગામમાં ૨૫૫ અને માણસામાં ર૬૫ અને ગાંધીનગર ઉત્તરમાં ર૪૨ મતદાન મથકોનો સમાવેશ થાય છે. આ મતદાન મથકોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે હેતુથી સઘન સલામતી વ્યવસથા ગોઠવવામાં આવનાર છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા પોલીસના બે હજારથી વધુ જવાનો ફરજ બજાવશે અને ૧૩૬પથી વધુ હોમગાર્ડ મતદાન મથકો ઉપર ખડેપગે રહેશે.

સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર સેન્ટ્રલ પેરા મીલીટરીના ફોર્સના જવાનો ગોઠવવામાં આવનાર છે માટે સીપીએમએફની ૨૦ જેટલી કંપની ચૂંટણી બંદોબસ્તમાં આવશે.હાલ બે કંપની આવી ગઈ છે અને તે વિવિધ વિસ્તારોમાં ફલેગ માર્ચ પણ કરી રહી છે. જિલ્લામાં આ મતદાન મથકો ઉપર મતદાનના સમયે કોઈ પક્ષપાતી વલણ ના થાય તે માટે સ્થાનિક પોલીસને મતદાન મથક ઉપર ફરજ સોંપવામાં નહીં આવે. જિલ્લામાં ચારેય તાલુકાની પોલીસને અરસપરસ ફરજ સોંપવામાં આવશે. મતદાનના દિવસ માટે ૧૧ જેટલી ક્વીક રીસ્પોન્સ ટીમો પણ તૈયાર કરવામાં આવી છે જે કોઈપણ સમયે તાત્કાલિક અસરથી મતદાન મથક સુધી પહોંચી શકે. તો સતત પેટ્રોલીંગ કરવા માટે પણ અલગઅલગ ટીમો બનાવવામાં આવી છે.

Gujarat