ગુજરાતમાં વસનારાઓનું સરેરાશ આયુષ્ય ૭૦ વર્ષ ઃ દેશમાં ૧૧માં સ્થાને
-બે દાયકામાં સરેરાશ આયુષ્યમાં ચાર વર્ષનો વધારો
-આજે 'વર્લ્ડ હેલ્થ ડે' : ગુજરાતમાં પુરુષ સરેરાશ ૬૮ વર્ષ જ્યારે મહિલાઓ ૭૩ વર્ષનું આયુષ્ય ધરાવે છે
અમદાવાદ, ગુરુવાર
મેડિકલ સાયન્સે
હરણફાળ ભરતાં આરોગ્ય સુવિધા અને પ્રત્યેક વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો
છે. આવતીકાલે 'વર્લ્ડ હેલ્થ ડે' ની ઉજવણી કરવામાં આવશે ત્યારે ગુજરાતમાં વસનારાઓનું
સરેરાશ આયુષ્ય ૭૦.૨ વર્ષ હોવાનું સામે આવ્યું છે.
વર્લ્ડ હેલ્થ
ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે ૭ એપ્રિલની ઉજવણી 'વર્લ્ડ હેલ્થ ડે ' તરીકે કરવામાં આવે
છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન ગુજરાતમાં વસનારાઓનું સરેરાશ આયુષ્ય ૬૯.૯ હતું. જે ૨૦૧૫-૧૯માં
વધીને ૭૦.૨ થયું છે. આમ, ગુજરાતમાં વસનારાના સરેરાશ આયુષ્યમાં સામાન્ય વધારો નોંધાયો
છે. ગુજરાતમા સરેરાશ આયુષ્ય ૧૯૯૧-૯૫માં ૬૧.૦, ૧૯૯૩-૯૭માં ૬૧.૯, ૧૯૯૪-૯૮માં ૬૨.૪, ૧૯૯૫-૯૯માં
૬૪.૧, ૨૦૦૦-૦૪માં ૬૫.૬ હતું. આમ, બે દાયકામાં સરેરાશ આયુષ્યમાં પાંચ વર્ષનો વધારો થયો
છે.
ગુજરાતામાં પુરુષોનું
સરેરાશ આયુષ્ય ૬૭.૯ જ્યારે મહિલાનું સરેરાશ આયુષ્ય ૭૨.૮ વર્ષ છે. ઝારખંડ, બિહાર જ એવા
રાજ્યો છે જ્યાં મહિલા કરતાં પુરુષનું સરેરાશ આયુષ્ય વધારે છે. સૌથી વધુ સરેરાશ આયુષ્ય
ધરાવતા રાજ્યોમાં દિલ્હી ૭૫.૯ સાથે મોખરે, કેરળ ૭૫.૨ સાથે બીજા, જમ્મુ કાશ્મીર ૭૪.૨
સાથે ત્રીજા સ્થાને છે. સમગ્ર દેશમાં પુરુષનું સરેરાશ આયુષ્ય ૬૮.૪, મહિલાનું સરેરાશ
આયુષ્ય ૭૧.૧ છે. આમ, પ્રત્યેક ભારતીય સરેરાશ ૬૯.૭ વર્ષનું આયુષ્ય ધરાવે છે.
ડોક્ટરોના મતે
મેડિકલ સુવિધા ઉપરાંત ઈમરજન્સી સેવામાં પણ સુધારાને પગલે હવે સરેરાશ આયુષ્યમાં વધારો
જોવા મળે છે. અગાઉ અદ્યતન તબીબી સુવિધા તેમજ ૧૦૮ જેવી ઈમરજન્સી સેવા નહોતી. હવે તેમાં
સુધારો થતાં સરેરાશ આયુષ્યમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
કયા રાજ્યમાં
સરેરાશ સૌથી વધુ આયુષ્ય...
રાજ્ય સરેરાશ આયુષ્ય
દિલ્હી ૭૫.૯
કેરળ ૭૫.૨
જમ્મુ કાશ્મીર ૭૪.૨
હિમાચલ ૭૩.૧
પંજાબ ૭૨.૮
મહારાષ્ટ્ર ૭૨.૭
તામિલનાડુ ૭૨.૬
પ.બંગાળ ૭૨.૧
ઉત્તરાખંડ ૭૦.૬
આધ્ર ૭૦.૩
ગુજરાત ૭૦.૨