Get The App

ગુજરાતમાં ચાર 'પટેલ' મુખ્યપ્રધાનો બન્યા છે : તમામ લેઉવા પટેલ !

Updated: Jun 13th, 2021

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં ચાર 'પટેલ' મુખ્યપ્રધાનો બન્યા છે : તમામ લેઉવા પટેલ ! 1 - image


બાબુભાઇ, ચીમનભાઇ અને કેશુભાઇ પટેલે બબ્બેવાર સત્તાનાં સુકાન સંભાળ્યાં હતાં

અમદાવાદ : ગુજરાતમાં કડવા-લેઉવા પાટીદારો એક થઇને ગુજરાતનાં રાજકીય સમીકરણોમાં પાટીદારોના પ્રભુત્વ માટે પ્રવૃત્ત થયા છે. અત્યારે પાટીદારો તરફથી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સ્વ. કેશુભાઇ પટેલનું નામ આગળ કરાઇ રહ્યું છે.

જો કે એના કારણોમાં તો 1995 પછીના દિવસોમાં પાટીદારોનો ઝોક ભાજપ તરફ રહ્યો છે અને એ બધાને કેશુભાઇના શાસનકાળમાં જે મહત્ત્વ મળ્યું તે અગત્યનું છે. બાકી તો ગુજરાતમાં બધું મળીને ચાર પટેલ મુખ્યપ્રધાનો સત્તા સંભાળી ચૂક્યા છે. એટલું જ નહીં, પોતાના શાસનકાળમાં અચ્છા વહીવટકાર સાબિત થયા છે.

જો કે રાજકીય ક્ષેત્રે વધુ મહત્ત્વ મેળવવા માટે કેશુભાઇને યાદ કરે પણ ભૂતકાળમાં સ્વ. બાબુભાઇ જશભાઇ પટેલ, સ્વ. ચીમનભાઇ પટેલ અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું જેમને માન મળે છે તેવા હાલનાં ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ ઉત્તમ શાસક અને ગુજરાતને નવો દિશાદોર આપનારા બની રહ્યા હતા. જોકે આજની નવી પેઢીને એ બધા વિશે નહિવત્ માહિતી છે.

1971માં ગુજરાતમાં કોંગ્રેસ જીતી, અને ઉપરથી, દિલ્હીથી પસંદ થયેલા સ્વ. ઘનશ્યામભાઇ ઓઝા મુખ્યમંત્રી બન્યા હતા. તેમની સામે સ્વ. ચીમનભાઇ પટેલે મોરચો માંડયો હતો અને ગુજરાતના રાજકારણમાં, એ જમાનામાં કુખ્યાત બનેલું પંચવટી પ્રકરણ સર્જીને એમણે છેવટે મુખ્યપ્રધાનપદ મેળવેલું.

ઈન્દિરા ગાંધી જેવા શક્તિશાળી વડાપ્રધાન સામે એમનો એ બળવો જ હતો. એ મુખ્યપ્રધાન બન્યા પણ નવનિર્માણ આંદોલનના કારણે એમને સત્તા ગુમાવવી પડેલી. નોંધપાત્ર બાબત એ છે કે મુખ્યપ્રધાનપદેથી ઉતરી જવું પડયું પછીય 1975માં, કિસાન મજદૂર લોકપક્ષ (કિમલોપ) રચીને એ ગુજરાતના રાજકારણમાં ઊભા રહ્યા. એમના ટેકાથી, 1975ની ગુજરાતની પહેલી જનતા મોરચા સરકાર બાબુભાઇ જશભાઇ પટેલના નેતૃત્વમાં બની શકી હતી.

જોકે ચીમનભાઇએ ટૂંક સમયમાં જ બા. જ. પટેલની સરકારને ગબડાવી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન આખા દેશમાં બા. જ. પટેલની એકમાત્ર સરકાર એવી હતી કે જેણે 'મીસા'નો રાજકીય વ્યક્તિઓ સામે ઉપયોગ કરવાનો ધરાર ઈન્કાર કરી દીધો હતો. આ જ કારણસર તે દિવસોમાં ગુજરાત સ્વતંત્રતાનું ટાપુ બની રહ્યું હતું.

ઈન્દિરાકોંગ્રેસનું દબાણ, ચીમનભાઇની રાજનીતિના કારણે બા. જ. પટેલને જવું પડેલું પણ કટોકટી હઠી અને દેશમાં પહેલી જનતા સરકાર રચાઇ તે પછી ગુજરાતમાં સત્તા પલટો થયેલો અને બા. જ. પટેલ ફરીથી મુખ્યપ્રધાન બનેલા.

જેમ બાબુભાઇ બે વાર મુખ્યપ્રધાન બન્યા એમ ચીમનભાઇ પટેલ પણ બે વાર મુખ્યપ્રધાન બન્યા હતા. 1974ના નવનિર્માણ આંદોલન પછી થૂ થૂ થયેલા ચીમનભાઇ 1990માં એટલે કે ખાસ્સા 16 વર્ષનો રાજકીય સંઘર્ષ કરીને મુખ્યપ્રધાન બનેલા. કમનસીબે એમનું અવસાન થતાં પોતાનો સત્તાકાળ પૂરો કરી શકેલા નહીં.

ગુજરાતમાં, 1995માં ભાજપનો એકલા હાથે વિજય થયો પણ આંતરિક યાદવાસ્થળી, શંકરસિંહ વાઘેલાનો બળવો, ખજૂરાહો પ્રકરણે છ-સાત મહિનામાં જ કેશુભાઇ પટેલ મુખ્યપ્રધાન તો બન્યા, પણ સ્થિર થાય એ પહેલાં જ ગબડી પડયા હતા.

1998માં ફરીવાર કેશુભાઇ મુખ્યપ્રધાન બન્યા પણ 2001ના કચ્છના ભૂકંપ દરમિયાનની કામગીરી અને અન્ય કારણો આગળ ધરીને એમને ય વિદાય કરાયા અને નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા હતા. ઓકટોબર 2001 પછી ગુજરાતમાં મોદી છવાઇ ગયા. છેક 2014 સુધી મોદીશાસન ચાલ્યું. મોદીએ દિલ્હીની વાટ પકડી ત્યારે શાસનની ધૂરા એમનાં વિશ્વાસુ આનંદીબહેન પટેલને સોંપાઇ.


કડક સ્વભાવના આનંદીબહેનના સમયમાં પટેલ અનામત આંદોલન ફેલાવાયું અને એના જ પરિણામસ્વરૂપ ફેસબુક પરથી પોતાના રાજીનામાની જાણ કરીને આનંદીબહેન વિદાય થઇ ગયા. અલબત્ત, એમણે તો ભાજપની 75 પ્લસ નેતાઓ સત્તાનો દોર સંભાળવામાંથી હઠે, યુવાનોને તક આપે એવી જ કહાણી ચલાવી હતી. ગુજરાતમાં સત્તા સંભાળનારા ચાર પટેલ અટકધારી મુખ્યપ્રધાનોની એક કોમન બાબત એ છે કે ચારેય લેઉવા પટેલ હતા.

બીજી તરફ, ચીમનભાઇ પટેલની ખુરશી નવનિર્માણ આંદોલન ભરખી ગયું હતું તો આનંદીબહેનની વિદાયમાં પટેલ અનામત આંદોલન કારણભૂત હતું. જો કે ભારતીય જનતા પક્ષ એ વાતને જાહેરમાં સ્વીકારતો નથી.

કેશુભાઇને તો બબ્બે વખત મુખ્યપ્રધાન થવા તો મળ્યું પણ બન્ને વખતે એમને સત્તાસ્થાનેથી રીતસરના ધકેલી જ ેદેવાયા હતા. તેમાંય વળી 1995ના પહેલા કાળમાં તો વિધાનસભામાં એમનામાં અને સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરતો પ્રસ્તાવ વિધાનસભામાં પસાર કર્યા પછીના ગણતરીના દિવસોમાં સત્તા છોડવાની ફરજ પડાયેલી.

1998માંના બીજા શાસનકાળમાં પણ જે કારણસર એમને બદલવામાં આવ્યા તે તો રાજકારણમાં થોડું-ઘણું સમજતી વ્યક્તિના ગળે ન ઉતરે તેવી ઘટના હતી. અપમાન સહન કરેલા કેશુભાઇએ પછી તો અલગ રાજકીય ચોકો ઊભો કરેલો એ જગજાહેર છે.

બાબુભાઇ, ચીમનભાઇ અને કેશુભાઇ વચ્ચેની એક બાબત નોંધનીય છે. ત્રણે અલગ અલગ રાજકીય પક્ષો ઊભા કરેલા. એ  ટક્યા નહીં એ જુદી વાત છે. ચીમનભાઇએ કિમલોપ અને કેશુભાઇએ, ગોરધન ઝડફિયા વગેરે સાથે મળીને ગુજરાત પરિવર્તન પાર્ટી સ્થાપી હતી. જો કે બન્નેનાં બાળમરણ થયાં હતાં. બાબુભાઇએ લોકસ્વરાજ મંચ સ્થાપેલો, 1990માં મોરબીથી ચૂંટાયેલા.

ફ્લેશ બૅક

* ચારેય લેઉવા પટેલ

* ત્રણ બબ્બેવાર સીએમ બન્યા

* ત્રણે અલગ રાજકીય ચોકા સ્થાપેલા

* બેને આંદોલનને કારણે સત્તા છોડવી પડેલી

* એકને બબ્બેવાર પક્ષે જ રૂખસદ આપી હતી !

* એક ગુજરાતનાં પહેલા મહિલા મુખ્યમંત્રી બનેલાં

Tags :