પાણીગેટ એકતાભવન પાસે જુગારધામ પર એલ.સી.બી.નો દરોડો
દંતેશ્વર તળાવ પાસે મોપેડ પર દારૃ લઇ જતો આરોપી પકડાયો
વડોદરા.શહેર એલ.સી.બી.પોલીસે દારૃ અને જુગારની પ્રવૃત્તિ કરતા પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસીપી ઝોન-૩ વિસ્તારમાં એલ.સી.બી.પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન માહિતી મળી હતી કે,દંતેશ્વર તળાવ પાસે એક શખ્સ મોપેડ પર દેશી દારૃ લઇને આવનાર છે.જેથી,પોલીસની ટીમે વોચ ગોઠવીને મયૂરદેવસિંહ કિરણસિંહ સીન્ધા (રહે.વડદલા ગામ, હરિનગર) ને ૭૮ લિટર દારૃ સાથે ઝડપી પાડયો હતો.પોલીસે દારૃ અને મોપેડ મળીને કુલ રૃપિયા ૫૬,૭૪૦ નો મુદ્દામાલ કબજે લીધો છે.
જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ એકતાભવન પાસે સાંઇબાબા મંદિરની પાછળની ગલીમાં દુર્ગા કહાર નામનો શખ્સ કેટલાક લોકોને ભેગા કરીને જુગાર રમાડી રહ્યો છે.જેથી,એલ.સી.બી.ની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા આંક ફરકનો જુગાર રમાડતા ચાર આરોપીઓ (૧) ભૂપેન્દ્ર ચંદુભાઇ કહાર (૨) ઉમંગ ભૂપેન્દ્રભાઇ કહાર (૩) વિજય ગોપાલભાઇ કહાર(ત્રણેય રહે.પાણીગેટ કહાર મહોલ્લો ) તથા (૪) વિનોદ જ્યંતિભાઇ વાઘેલા (રહે.મુસ્લિમ મેડિકલ સેન્ટરની પાછળ,પાણીગેટ) ઝડપાઇ ગયા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રોકાડા ૭,૩૦૦ તથા મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૧૭,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.