વડોદરાને 100 દિવસમાં ભિક્ષુકમુક્ત બનાવવાના ટાર્ગેટ સાથેનું અભિયાન શરૂ
- ભિક્ષુકોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઇ યુનિક આઈડી નંબર અપાશે
વડોદરા,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર
વડોદરા શહેરને 100 દિવસમાં ભિક્ષુકમુક્ત બનાવવાના ટાર્ગેટ સાથે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતના મોટા શહેરોમાં આ ઝુંબેશ આજથી શરૂ થઇ છે. જેનો પ્રારંભ વડોદરાથી થયો છે. આજ બપોર પછી પોલીસ વિભાગ દ્વારા શહેરની ભિક્ષુકમુક્ત બનાવવાની ડ્રાઇવ શરૂ થવાની છે. વડોદરામાં ઓશિયાળું જીવન જીવતા ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી તેમને પગભર બનાવાશે તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી એ જણાવ્યું હતું
વડોદરા શહેરમાં ભિક્ષુકોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે રાજ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને વડોદરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં શહેરમાં ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી તેમને પગભર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ ભિક્ષુકોને આવરી લઈ તેમનું જીવન સારૂ બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતા લોકોને સમાજ સુરક્ષા તથા પોલીસ વિભાગ દ્વારા રાઉન્ડઅપ કરી લેવામાં આવશે અને રાઉન્ડઅપ કર્યા બાદ તેમને આશ્રય સ્થાનો પર ખસેડવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નિયત કરાયેલ આ આશ્રય સ્થાનો ઉપર ભિક્ષુકોને રાખ્યા બાદ ત્યાં તેમને સ્વચ્છતા અને સ્વાસ્થ્યની કેળવણી આપવામાં આવશે. તે બાદ આવા ભિક્ષુકોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઈ યુનિક આઇ.ડી.નંબર આપી પગભર થવા યોજનાઓનો લાભ અપાશે. પગભર થયા બાદ ભિક્ષુકોને આવાસોમાં સ્થાયી કરાશે. તેમને આત્મનિર્ભર અને સમાજ સ્થાપિત કરવા કૌશલ્યોની તાલીમ આપવામાં આવશે. હાલમાં વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં 70 વ્યક્તિની ક્ષમતાવાળું ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર છે. રાજ્યના મેટ્રો શહેરોમાં આવેલા આવા કેન્દ્રોના નવીનીકરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભિક્ષુકો જો બહારથી આવતા હોય તો તેમને તેમના વતનમાં પરત મોકલાશે. અને જો પગભર થયેલા ભિક્ષુકો ફરી ભિક્ષા વૃત્તિ કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ વડોદરા આવ્યા ત્યારે એક સમારોહમાં તેમણે વડોદરામાંથી સુરતની જેમ ભિક્ષુકોનો પ્રશ્ન પણ હલ કરવા ટકોર કરી હતી અને એ પછી તંત્ર દોડતું થયું છે.