Get The App

ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ખારાશવાળી જમીનનું પ્રમાણ વધી રહ્યું છે

Updated: Nov 13th, 2021

GS TEAM

Google News
Google News
ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ખારાશવાળી જમીનનું પ્રમાણ વધી રહ્યું છે 1 - image

વડોદરાઃ દેશમાં  સૌથી લાંબો દરિયા કિનારો દરિયા કિનારો ગુજરાત પાસે છે  પણ હવે ગુજરાતની જમીનમાં ખારાશનુ પ્રમાણ પણ ઉત્તરો ઉત્તર વધી રહ્યુ છે તેવો ખુલાસો વડોદરા સ્થિત સંસ્થા ગુજરાત ઈકોલોજી સોસાયટીએ ગુજરાતના દરિયા કાંઠાની ઈકોલોજી અંગે બહાર પાડેલા પુસ્તકમાં કર્યો છે.

આ પુસ્તકમાં ઈસરો, સેન્ટ્રલ સોલ્ટ સેલિનિટી રિસર્ચ ઈન્સ્ટટયુટ તેમજ ખાર લેન્ડ ડેવલપમેન્ટ બોર્ડ( આ સંસ્થા હવે બંધ કરી દેવાઈ છે)ના છેલ્લા ૬૦ વર્ષના આંકડાનો અભ્યાસ કરીને ઉપરોક્ત તારણ કાઢવામાં આવ્યુ છે.ગુજરાત ઈકોલોજી સોસાયટીના ડાયરેકટર ડો.જયેન્દ્ર લખમાપુરકરનુ કહેવુ છે કે, ૧૯૬૦માં ગુજરાતના દરિયાકાંઠાની ૧૨૧૬૪ સ્કેવર કિલોમીટર જમીન ખારાશવાળી હતી.જે ૧૯૯૨ સુધીમાં વધીને ૧૬૮૯૯ સ્કેવર કિલોમીટર પર પહોંચી હતી.જ્યારે ૨૦૧૯ના ઈસરોના ડેટા પ્રમાણે હવે ગુજરાતના દરિયાકાંઠાની ૧૮૦૭૩ કિલોમીટર જમીનમાં ખારાશ પ્રસરી ચુકી છે.

તેમના કહેવા પ્રમાણે જમીનમાં અને ભૂગર્ભજળમાં પણ ખારાશ વધવાનુ કારણ એ છે કે, ખેતીનુ પ્રમાણ વધ્યુ છે અને તેમાં ભૂગર્ભજળનો વપરાશ વધ્ય છે.સાથે સાથે દરિયા કાંઠાના વિસ્તારોમાં વસતીનુ પ્રમાણ વધ્યુ છે.૧૯૯૧ થી ૨૦૧૧ સુધીમાં રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારોમાં ૩૮ ટકા વસતી વધી છે.તેના કારણે ઘરવપરાશ માટે પણ ભૂગર્ભ જળનો ઉપયોગ વધી ગયો છે.ટ્રીટ કર્યા વગર છોડાતુ ગટરનુ પાણી પણ જમીનની ખારાશ વધારી રહ્યુ છે.ગુજરાતમાં ગ્રાઉન્ડ વોટર વપરાશનુ નિયમન કરવા માટેના કોઈ નિયમો નથી.તેના પર સરકારે તાત્કાલિક પોલિસી બનાવવાની જરુર છે.

તેમનુ માનવુ છે કે, ખારાશવાળી જમીન વધી રહી છે પણ તેની ખેતી પર નજીકના ભવિષ્યમાં ખાસ અસર નહીં થાય.કારણકે ખારાશવાળી જમીનમાં લેવાતા પાક પણ ખેડૂતો હવે ઉગાડી રહ્યા છે.જોકે પાણીમાં ફ્લોરાઈડની માત્રા વધવાથી સ્વાસ્થ્ય પર તેની અસર થઈ શકે છે.

Tags :