જમીન વેચાણ અને ઓક્ટ્રોઈ ગ્રાન્ટની આવકનો અંદાજ વધાર્યો
લોન અને બોન્ડ માટે દરખાસ્ત ચાર મહિનાથી સરકાર સમક્ષ અનિર્ણિત છે
૧૨ વર્ષમાં ૬૦૦૦ કરોડના વિકાસના કામો થયા
વડોદરા, તા. 3 જાન્યુઆરી 2020, ગુરૃવાર
વડોદરા મ્યુનિ. કોર્પોરેશને વર્ષ ૨૦૨૦-૨૧માં આવક ઊભી કરવા માટે કરદરમાં કોઈ વધારો કર્યો નથી, ત્યારે જમીન વેચાણની આવકનો અંદાજ વધારીને રૃા.૧૫૧ કરોડ મૂક્યો છે.
વર્ષ ૨૦૧૯-૨૦માં જમીન વેચાણની આવકનો રિવાઈન્ડ અંદાજ રૃા.૧૪૧ કરોડ હતો. જેની સામે રૃા.૧૦૯ કરોડની આવક જમીન વેચીને ઊભી કરી છે.
ઓક્ટ્રોઈ ગ્રાન્ટની આવક રૃા.૩૨૫ કરોડ હતી જેમાં રૃા.૩૦ કરોડ વધારો કરીને અંદાજ રૃા.૩૫૫ કરોડ મૂક્યો છે. મિલકત વેરા સહિત સામાન્ય કરની આવકનો લક્ષ્યાંક આશરે ૭ કરોડ વધારીને રૃા.૪૯૧.૮૨ કરોડ અંદાજ્યો છે.
કોર્પોરેશને છેલ્લા ૧૦ વર્ષમાં ૩૦૦ કરોડની લોન લીધી છે. જેમાંથી હવે ૮૯ કરોડ બાકી રહ્યાં છે. ૩૦૦ કરોડની લોન અને ૧૦૦ કરોડના બોન્ડ માટે મંજૂરી ગયા વર્ષના બજેટમાં મળી ચૂકી છે. આ સંદર્ભે રાજય સરકાર સમક્ષ દરખાસ્ત ચાર મહિનાથી મોકલી છે. હજી સરકારમાંથી અંતિમ મંજૂરી મળી હતી. ઓક્ટ્રોઈ નાબૂદ થતા તેના બદલામાં મળતી ગ્રાંટમાં સરકાર દ્વારા નજીવો વધારો કરાય છે. ખરેખર તો સરકારે ૧૮.૬૫ ટકા વધારો કરવો જોઈએ. જેની સામે ૧૦ ટકા જ વધારો કરાય છે. વધારો કરવા સરકાર સમક્ષ ઉચ્ચસ્તરે રજૂઆત કરવી જરૃરી બની છે.
સામાન્ય વેરાની આવકનો લક્ષ્યાંક રૃા.૪૮૪.૯૭ કરોડ છે. તેની સામે રૃા.૪૧૩ કરોડની આવક મળી ચૂકી છે.
વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૯ સુધીમાં કોર્પોરેશને વિકાસના રૃા.૬૦૦૦ કરોડના કામો કર્યા છે. જે વર્ષ દીઠ સરેરાશ રૃા.૬૦૦ કરોડના છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં સરેરાશ રૃા.૮૦૦ કરોડના કામો થાય છે.
વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૦૫૩ કરોડના વિકાસના કામોની સામે વર્ષ ૨૦૨૦-૨૧માં ૬૦૦ કરોડના વધુ એટલે કે રૃા.૧૬૨૧ કરોડના વિકાસના કામો હાથ ધરાશે.