રામ મંદિર ભૂમિ પૂજન બાદ ગુજરાતમાં સાંજે દીપ પ્રગટાવાશે
- તમામ મંદિરો પણ દીવાથી ઝગમગશે : વીએચપી
- ગુજરાતના ૯૧૨ પવિત્ર સ્થાનમાંથી માટી-નદીના જળ એકત્ર કરી અયોધ્યા માટે પ્રસ્થાન કરાયું
અમદાવાદ,સોમવાર
અયોધ્યા ખાતે
આગામી પાંચ ઓગસ્ટના ભગવાન રામની જન્મભૂમિ પર રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન થવાનું
છે. પાંચ ઓગસ્ટે સાંજે ગુજરાતના સેંકડો ભક્તો દ્વારા ઘરની બહાર જ્યારે મંદિરોના પ્રાંગણમાં
દીવો પ્રગટાવી દિવાળી જેવા જ માહોલ સર્જીને આ ઐતિહાસિક ઘડીની ઉજવણી કરવામાં આવશે.
અયોધ્યામાં આગામી
પાંચ ઓગસ્ટે ભવ્ય રામ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન થવા જઇ રહ્યું છે. આ નિમિત્તે ગુજરાતના
૯૧૨ પવિત્ર સ્થાનમાંથી એકત્ર કરેલી માટી અને જળનું પૂજન કરીને તેનું અયોધ્યા ખાતે પ્રસ્થાન
કરાવવામાં આવ્યું હતું. આ અંગે વિશ્વ હિંદુ પરિષદના સચિવ અશોક રાવલે જણાવ્યું કે,
'ભવ્ય રામમંદિરના નિર્માણમાં દેશભરના મઠ-મંદિર અને તીર્થક્ષેત્રોમાંથી માટી અને તમામ
નદીનું જળ એકત્રિત કરીને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના નિર્માણ માટે મોકલાવાનું સાધુ-સંતોનું
આહ્વાન છે. જેના ભાગરૃપે ગુજરાતના ૯૧૨ જેટલા પવિત્ર સ્થળેથી માટી-પવિત્ર નદીના જળ એકત્ર
કરાયા હતા. ગુજરાતના અગ્રણી સાધુ-સંતોની ઉપસ્થિતિમાં અમદાવાદના વીએચપી કાર્યાલય ખાતે
તેનું પૂજન કરાયું હતું.
આ પૂજન બાદ પવિત્ર
માટી-જળ લઇને ચાર પ્રતિનિધિઓ અમદાવાદથી લખનૌ જવા રવાના થયા છે. રામ મંદિરનું ભૂમિપૂજન
યોજાઇ રહ્યું હશે ત્યારે ભક્તો પણ ઘરે બેસીને પૂજન કરે અને સાંજે તેમના ઘરની બહાર દીપ
પ્રગટાવે તેવો અનુરોધ છે. ' રામ મંદિરના ભૂમિ પૂજન માટે ગુજરાતના કેટલાક સાધુ-સંતોને
પણ નિમંત્રણ અપાશે તેવું ચર્ચાઇ રહ્યું છે.