રોકાણકારો માટે મહિલા એજન્ટે દાગીના ગીરવે મુક્યા,મહિલા એજન્ટ પોતાના ખર્ચે નેપાળ જઇ સૂત્રધારને પકડ્યો
વડોદરા,તા.5 ફેબ્રુઆરી,2020,મંગળવાર
રોકાણકારોના રૃપિયા પરત અપાવવા માટે મહિલા એજન્ટે પોતાના દાગીના ગીરવે મુક્યા હતા.
હામરો નિધિ લિ.માં ૧૧૪ રોકાણકારોના નાણાં ઇન્વેસ્ટ કરનાર જ્યોતિબેન સોની ઉપર રોકાણકારોનું દબાણ વધી ગયું હતું અને કેટલાકે તો તેમની પાસે જ નાણાંની માંગણી કરી હતી.
આર્થિક ભીંસ અનુભવતી મહિલા એજન્ટે રોકાણકારોના નાણાં પરત અપાવવા માટે અનેક શહેરોમાં ફરી હતી.મુખ્ય સૂત્રધાર સુરત રાવલ નેપાળમાં હોવાની વિગતો જાણવા મળતાં મહિલા કુટુંબના પાંચ સભ્યોને લઇ નેપાળ પહોંચી ગઇ હતી.આ માટે તેણે દાગીના ગીરવે મુકી રૃા.૬૦ હજારનું આંધણ કર્યું હતું.
નેપાળમાં તેણે સૂત્રધારને પકડી પાડી પોલીસને સોંપ્યો હતો.પરંતુ ત્યાં કોઇ ગુનો નહીં બનતો હોવાથી પોલીસે માત્ર અટકાયત કરી સાથે મોકલવાનો ઇનકાર કર્યો હતો.મહિલાના કહેવા મુજબ નેપાળ પોલીસ તેને ૪૫ દિવસ સુધી રાખશે.જો ત્યાં સુધીમાં વડોદરા પોલીસ કાર્યવાહી કરશે તો સૂત્રધાર પકડાઇ જશે.
ઠગ દંપતીએ સયાજીગંજની વસાહતમાં હેડ ઓફિસ દર્શાવી
હામરો નિધિ લિ.ના સંચાલક ઠગ દંપતીએ સયાજીગંજની વસાહતમાં હેડ ઓફિસ દર્શાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,હામરો નિધિ લિ.ફાઇનાન્સ કંપનીના સંચાલક સુરત રાવલ અને તેની પત્ની તુલસી રાવલ મૂળ નેપાળના વતની છે.પરંતુ લાંબા સમયથી તેઓ વડોદરામાં રહેતા હતા.
સયાજીગંજના પરશુરામ નગરમાં આવેલી હૈદરભાઇની ચાલીમાં તેમણે એક મકાન રાખ્યું હતું અને આ મકાનને જ કંપનીની હેડ ઓફિસ તરીકે દર્શાવવામાં આવ્યું હતું.કંપનીની વેબ સાઇટ પર પણ આ જ સરનામું જોવા મળ્યું છે.તેમણે ડાયરેક્ટર તરીકે નેપાળી સમાજના કેટલાક લોકોને સાથે રાખ્યા હતા.