Get The App

વડોદરામાં અકોટાના સવૅન્ટ ક્વાર્ટરમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા, શ્રમજીવી દંપતી પકડાયું

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
વડોદરામાં અકોટાના સવૅન્ટ ક્વાર્ટરમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા, શ્રમજીવી દંપતી પકડાયું 1 - image

વડોદરા,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર 

વડોદરાના અકોટા વિસ્તારમાં મજૂરીના પૈસા બાબતે તકરાર થતા લેબર કોન્ટ્રાક્ટરની તેના જ ઘરમાં હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બનતા પોલીસે હત્યારા પતિ પત્નીને ઝડપી પાડ્યા છે.

અકોટાની રાજકમલ સોસાયટી ખાતે અરુણાબેન મહેતા ના મકાનમાં કામ કરતી અને સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતી વીણા પરસોતમ રાઠવાએ પોલીસને કહ્યું છે કે, મારા પતિ છેલ્લા કેટલાક સમયથી મજૂરો રાખી કામ કરે છે.

ગઈ તા 10મીએ સવારે હું નિત્યક્રમ મુજબ નજીકમાં રહેતા સસરાને ત્યાં રસોઈ બનાવવા માટે ગઈ હતી તે વખતે મારા પતિ અને પુત્રી સૂઈ રહ્યા હતા. હુ પરત ફરી ત્યારે મારા પતિ નીચે પડેલા હતા તેમજ પુત્રી પલંગ પર બેઠેલી હતી. મારા પતિના માથાના ભાગે ઇજા થઈ હતી અને લોહી નીકળતું હતું. મેં તપાસતા તેમના ધબકારા બંધ હતા.

વીણાબેને પોલીસને કહ્યું છે કે, મેં મારા સસરા તેમજ અન્ય સંબંધીઓને બોલાવતા તેમણે પણ ચેક કરતા મારા પતિ મૃત્યુ પામ્યા હોવાનું જણાય આવ્યું હતું જેથી અમે કોઈ હત્યારાને જોયા નહીં હોવાથી એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહ જેતપુર પાવી તાલુકાના લોઢણ ગામના વતનમાં લઈ ગયા હતા અને અગ્નિસંસ્કાર કર્યો હતો.

દરમિયાનમાં મારી નણંદે મોબાઈલ જોતા તેમાં મારા પતિ પાસે મજૂરીના રૂપિયા માંગવા આવેલા નટુ રાઠવાએ આપેલી ધમકીની માહિતી જાણવા મળી હતી. જેથી મેં બનાવ વખતે હાજર મારી 8 વર્ષની પુત્રીને પૂછપરછ કરતા તેણે નટુ કાકા અને જીગી કાકી (બંને રહે વડદલા, તા બોડેલી,છોટાઉદેપુર) એ પાટલી અને સાણસી વડે હુમલો કર્યો હોવાની વાત કરી હતી. આ ઉપરાંત અમે મારા પતિના મૃતદેહના ફોટા પણ લીધા હતા. ગોત્રી પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી બંને પતિ પત્નીની અટકાયત કરી છે.

    

Tags :