મૃત્યુથી બચવા માટેના પ્રયત્ન કરતા યુગલની કથા દર્શાવતા ખીચડી નાટકનું વાંચન
એમ.એસ.યુનિ.દ્વારા આયોજિત ઓનલાઈન નાટય વાંચન મહોત્સવ યોજાયો હતો
લાભશંકર ઠાકરનું 'ખીચડી' નાટક લખ્યા વગર સતત ૩૦ વર્ષ સુધી મંચ પર ભજવાયું હતું
વડોદરા, તા. 25 જૂન 2020, ગુરુવાર
જે જીવ પૃથ્વી પર જન્મ લે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે તેમ છતાં તેનાથી બચવા માટે માનવી અથાગ પ્રયત્ન કરતો હોય છે. તેવા જ એક ઝવેરી યુગલની કથા 'ખીચડી' નાટકમાં લેખક લાભશંકર ઠાકરે વર્ણવી છે.
એમ.એસ.યુનિ. દ્વારા છ દિવસીય 'અભિવ્યક્તિ' નાટય વાંચન મહોત્સવનું ઓનલાઈન આયોજન કર્યું હતું. જેમાં સાહિત્યકાર અને નાટયકારોએ સંસ્કૃત, ગુજરાતી અને પારસી ભાષામાં નાટકનું વાંચન કર્યું હતું. ભાવનગર યુનિ.ના પ્રો. ડો.મહેન્દ્રસિંહ પરમારે 'ખીચડી' નાટકનું વાંચન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ખીચડી નાટક લખ્યા વગર ગુજરાતના વિવિધ મંચ પર ૩૦ વર્ષ સુધી સતત ભજવાયું હતું. ૧૯૬૦ના દાયકામાં લાભશંકરે ઠાકરે આકસ્મિક રીતે આ નાટકની રચના કરેલી હતી, અને પ્રસિધ્ધ નાટયકાર પ્રાણસુખ નાયક કેવળ મૂકઅભિનયથી આ નાટકને મંચ પર ભજવતા હતા.૩૦ વર્ષ બાદ લાભશંકરે આ નાટકને પોતાની કલમના માધ્યમથી પુસ્તક પર ઉતાર્યું હતું.
આ નાટકમાં પતિના પેટમાં રહેલુ અનાજ પચી જશે પછી યમરાજ તેને લેવા આવશે તેની ખબર પત્નીને પડે છે. જેથી ખાવાનું પચે જ નહીં તે માટે ઝવેરીની પત્ની તેને જાતજાતનું જમાડીને સત્યવાન-સાવિત્રીની કથાને ફરી રચવાની મથામણ કરતી રહે છે.
જીવન અને મૃત્યુ વચ્ચેની આ અથડામણમાં રંગ, ગંધ, સ્વાદ સાથે જીવનને માણી લેવાની ઈચ્છાવાળા નાયક અને પત્નીનું પતિને જીવતા રાખવાનું વળગણ છેલ્લે કંઈ કામ આવતુ નથી. આખરે બંને મૃત્યુ સામે પોતાની હાર સ્વીકારી લે છે. ત્યારે યમરાજ કહે છે મૃત્યુ સાશ્વત છે, લોકોએ તેનાથી ડરવું ન જોઈએ. કોરોના કાળમાં કાળદેવતાનું ખપ્પર ભરાતું જાય છે આ સમયમાં મૃત્યુ સામેની લડાઈમાં થાકી હારી જતા માણસની કથા 'ખીચડી' ના પ્રતીકથી રજૂ થઈ હતી.