વડોદરામાં પતંગોત્સવ 'ઉત્તરાયણ'ની ભારે ઉત્સાહ સાથે ઉજવણી થઇ
ચાઇનિઝ ગુબ્બારાઓ ગાયબ થયા, આતશબાજીથી આકાશ ઝળહળી ઉઠયુ
વડોદરા,તા.૧૫ જાન્યુઆરી, બુધવાર, ૨૦૨૦
એ કાયપો છે.... ચલ લપેટ...ની ચીચીયારીઓ વચ્ચે વડોદરામાં ભારે ઉત્સાહ સાથે પતંગોત્સવની ઉજવણી થઇ હતી. આ
વખતે પવને રંગ રાખતા પતંગબાજો ગેલમાં આવી ગયા હતા. આકાશે પતંગયુધ્ધ જામ્યુ હતુ તો ધાબાઓ પર ચીકી,
ઊંધિયુ, જલેબીની જયાફતો ઉડી હતી. આ વખતે ઉત્તરાયણમાં નોંધપાત્ર ફેરફાર એ જોવા મળ્યો હતો કે ચાઇનીઝ તુક્કલો
એટલે કે ગુબ્બારાઓનું પ્રમાણ નહીવત રહ્યું હતું.
ચાઇનીઝ ગુબ્બારાઓ અને દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવાથી આ વખતે ઉત્તરાયણની સાંજે આકાશમાં ગુબ્બારાઓ
દેખાયા ન હતા. જો કે તેની ઉણપ શહેરીજનોએ આતશબાજીથી પુરી કરી હતી. ઉત્તરાયણની મોડી સાંજે સાત વાગ્યાથી
રાતના ૧૧ વાગ્યા સુધીના ચાર કલાક દરમિયાન વડોદરાનુ આકાશ આતશબાજીઓના કારણે સતત ઝગમગતુ રહ્યું હતું.
ખાસ કરીને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ ભરપુર પવન હોવાથી પતંગબાજોને મજા પડી ગઇ હતી.
તેમા પણ બુધવારે વાસી ઉત્તરાયણના દિવસે વાદળછાયો માહોલ રહ્યો હતો ગુલાબી વાતાવરણમાં ધાબા પર ઉત્તરાયણ
પાર્ટીઓ જામી હતી. ધાબા પાર્ટીમાં પરંપરાગત રીતે ઉંધીયુ, જલેબી, ચીકીની મજા માણી હતી.
બીજી તરફમકરસંક્રાતિનું ધાર્મિક રીતે પણ ખૂબ મહત્વ હોવાથી મંદિરોમાં વિશેષ દર્શન યોજાયા હતા. ધનુર્માસી પૂર્ણાહૂતિ
નિમિતે અને સંક્રાતના વિશેષ પર્વને અનુલક્ષીને લોકોએ દાન દક્ષિણા કરીને પુણ્ય કાર્ય કર્યા હતા તો જૈન દેરાસરોમાં
સંક્રાતિ પર્વને અનુલક્ષીને આચાર્ય ભગવંતો દ્વારા વિશેષ પ્રવચનો યોજાયા હતા.