મણિનગરમાં આવેલી ઝેરોક્ષ શોપમાં વિઝિટીંગ કાર્ડની પ્રિન્ટ કઢાવવા માટે કિરણ પટેલે દાદાગીરી કરી હતી
વિઝિટીંગ કાર્ડ દિલ્હી ભુલી ગયો હોવાથી તાત્કાલિક વિઝિટીંગ કાર્ડની પ્રિન્ટ કઢાવવી જરૂરી હોવાનું કહ્યું હતું
સ્ટાફને ધમકાવીને તેની પાસે રહેલા વિઝિટીંગ કાર્ડમાંથી ગ્લોસી પેપર પર પ્રિન્ટ કઢાવી હતી
અમદાવાદ,શનિવાર
મહાઠગ કિરણ પટેલના એક પછી એક અનેક કાંડ બહાર આવી રહ્યા છે. ત્યારે શ્રીનગર પોલીસે તેની પાસેથી જપ્ત કરેલા વિઝિટીંગ કાર્ડ તેણે મણિનગરમાં આવેલી એક ઝેરોક્ષની દુકાનમાંથી ગત જાન્યુઆરી મહિલ્માં પ્રિન્ટ કરાવ્યા હતા. આ અંગે કાશ્મીર પોલીસને ઝેરોક્ષની શોપના માલિકે જણાવ્યું હતું કે અશોક સ્તંભ સાથેના વિઝિટીંગ કાર્ડ હોવાને કારણે તેને પહેલા ના કહેવામાં આવી હતી. પણ પીએમઓમાં તે મોટો હોદો ધરાવતો હોવાનું કહીને સ્ટાફને ધમકાવીને તેની પાસે રહેલા વિઝિટીંગ કાર્ડમાંથી ગ્લોસી પેપર પર પ્રિન્ટ કઢાવી હતી. અમદાવાદના ઘોડાસરમાં રહેતા મહાઠગ કિરણ પટેલ પાસેથી શ્રીનગર પોલીસે પીએમઓ ઓફિસના ૧૦ વિઝિટીંગ કાર્ડ જપ્ત કર્યા હતા. જે મણિનગરમાં આવેલી આકાંક્ષા ક્રીએશન નામની ઝેરોક્ષ શોપમાંંથી તેની પ્રિન્ટ કઢાવી હતી. જે અંગે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે તે જાન્યુઆરીના છેલ્લાં સપ્તાહમાં તે એક વિઝિટીંગ કાર્ડ લઇને ઝેરોક્ષની દુકાનમાં આવ્યો હતો. તેણે એક કાર્ડમાંથી ગ્લોસી પ્રિન્ટ કઢાવવા માટે કહ્યું હતું. જો કે કાર્ડમાં અશોકસ્તંભ હોવાને કારણે દુકાનમાં કામ કરતા વ્યક્તિએ પ્રિન્ટ કાઢી આપવાની ના કહી હતી અને આ માટે લેટર આપવાની વાત કરી હતી. જેથી કિરણ પટેલે ગુસ્સો કરીને કહ્યું હતું કે હું પીએમઓમાં મોટા હોદા પર છુ અને દિલ્હીમાં રહુ છું. મારે અમદાવાદમાં મીટીંગ છે. પણ દિલ્હીથી કાર્ડ મંગાવવામાં વાર લાગી શકે તેમ છે. જેથી લેટર પછી આપી જઇશ. જેથી તેને કાર્ડની પ્રિન્ટ કાઢીને આપવામાં આવી હતી.જેનો ઉપયોગ તેણે શ્રીનગરમાં કર્યો હતો.