ખોખરા રૂક્ષ્મણીબેન હોસ્પિટલની લિફ્ટ ખોટકાઇ, સ્ટાફ નર્સ ફસાયા
- અડધો કલાક સુધી નર્સ ફસાઇ રહ્યા
- બીજી ચાવીની મદદથી લિફ્ટ ખોલી તેઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા
અમદાવાદ,તા.5 જુલાઇ 2021, સોમવાર
ખોખરામાં આવેલી રૂક્ષ્મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટની લિફ્ટ આજે સોમવારે ખોટકાતા મંજુબેન ઠાકોર નામના સ્ટાફ નર્સ તેમાં ફસાઇ ગયા હતા. ટેકનીકલ સમસ્યા સર્જાઇ હોવાથી અડધો કલાક સુધી નર્સ લિફ્ટમાં ફસાઇ રહ્યા બાદ તેઓને હેમખેમ બહાર કઢાયા હતા.
ખોખરામાં આવેલી રૂક્ષ્મણીબેન આયુર્વેદ હોસ્પિટલમાં પહેલા માળે લિફ્ટ ખોટકાઇ ગઇ હતી. લિફ્ટ અચાનક જ બંધ થઇ જતા લિફ્ટમાં ફસાયેલા સ્ટાફ નર્સનો જીવ અદ્ધર થઇ ગયો હતો. તેઓએ બુમાબુમ કરી હતી. જેેને લઇને આખી હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી.
હોસ્પિટલમાં ફરજ પરના હાઉસ સુપરવાઇઝર હેડ જયેશ પરમાર નામના યુવાને અન્ય ચાવીની મદદથી સ્ટાફ નર્સને લિફ્ટમાંથી સહીસલામત બહાર કાઢ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઇને હોસ્પિટલ સત્તાવાળાઓએ લિફ્ટના ટેકનિશિયનને બોલાવીને જામ થયેલ લિફ્ટનું તાકિદે સમારકામ હાથ ધર્યું હતું. ભવિષ્યમાં આવું ન બને તેની તકેદારી રાખવા માટે પણ અને સમયાંતરે લિફ્ટની મરામત કરવાની તાકિદ અધિકારીઓએ આપી હતી.