ખલીલભાઈએ વલી ગુજરાતી ગઝલ એવોર્ડના સન્માન માટે વડોદરા પસંદ કર્યું હતું
મુશાયરાના કાર્યક્રમમાં ભાગ્યેશ ઝાએ કહ્યું
સાહિત્યકારોએ ખલીલ ધનતેજવીને મરણોત્તર પદ્મશ્રી મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી
વડોદરા: ખલીલ ધનતેજવીને શ્રધ્ધાંજલિ અર્પતો મુશાયરાનો કાર્યક્રમ કવિ સંગત દ્વારા ઓનલાઈન યોજાયો હતો. જેમાં કવિ ભાગ્યેશ ઝાએ કહ્યું કે વલી ગુજરાતી ગઝલ એવોર્ડના સન્માન માટે ખલીલભાઈએ હકપૂર્વક પોતાનું વડોદરા પસંદ કર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે ૧૭મી સદીના કવિ વલી ગુજરાતીની સ્મૃતિમાં સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારને ગુજરાત સરકાર દ્વારા આ એવોર્ડ વર્ષ ૨૦૦૫થી આપવામાં આવી રહ્યો છે. જેમાં ખલીલ ધનતેજવીને આ એવોર્ડના સન્માન માટે વર્ષ ૨૦૧૩માં પૂછવામાં આવ્યું કે તમે તમારા સન્માન માટે ક્યું શહેર પસંદ કરવા માંગશો ત્યારે તેમણે વડોદરાને પસંદ કર્યું હતું.
આ એવોર્ડ સન્માનના ઈતિહાસમાં પહેલીવાર ખલીલભાઈ માટે વડોદરાના સર સયાજી નગરગૃહ હોલમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. મને હજુ યાદ છે કે કોઈ દિવસ ખલીલભાઈએ કોઈ આયોજકને ખલેલ પહોંચાડી નથી, ગમે તેવી આયોજન વ્યવસ્થા હોય તેઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપતા હતા, એટલે જ તેઓ ખલીલ ધનતેજવી નહીં પણ મનતેજવી હતા.
શાયર ભરત ભટ્ટે કહ્યું કે આટલા મોટા કવિ સાથે જ્યારે પણ મુશાયરા કરવા વડોદરાથી બહાર જવાનું હોય એટલે જુનિ.કવિઓને હંમેશા તે એક બાપ જેવી હૂંફ આપતા હતા. બહારની મુસાફરીમાં જમવાનો ખર્ચ હંમેશા તેઓ જ આપતા હતા અને કહેતા હું તમારો બાપ છું અને આ મારી ફરજમાં આવે છે.
ગુલામ અબ્બાસ નાશાદે કહ્યું કે ખલીલ ધનતેજવીને હું ૧૯૬૮થી ઓળખું છું, અમે બંને એક ગાડી પર વર્ષો સુધી ફર્યા છે, એ જેટલા મોટા કવિ હતા તેનાથી પણ વધારે તેઓ ખૂબ સારા વ્યક્તિ હતા. સાહિત્યકારોએ ખલીલ ધનતેજવીને મરણોત્તર પદ્મશ્રી મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
ખલીલભાઈની કવિતા જેટલું જ રસાળ તેમનું ગદ્ય હતું
કવિ બ્રિજેશ પંચાલે કહ્યું કે ખલીલભાઈની કવિતા જેટલી સુંદર છે એટલું જ એમનું ગદ્ય પણ રસાળ છે. તેમની કારકીર્દિ કથા સોગંદનામું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ કથામાં તેમણે પોતાના જન્મ સમયના કુદરતી સૌંદર્યનું વર્ણન કરતા લખ્યું કે,
'સવારનું ભરભાંખળું એટલે પોચું પોચું અંધારું અને બરફના રંગ જેવો મખમલી
ઉજાસ સૂરજના આગમનની છડી પોકારતો હતો, એવા સમયે મારો જન્મ થયો'