કલમ ૩૭૦ દૂર થવાથી કાશ્મીરના ૧૮ ટકા લોકોથી બાકીના લોકોને આઝાદી મળી છે
વડોદરા,તા.24.જાન્યુઆરી,2020
જમ્મુ-કાશ્મીરમાં અને ખાસ કરીને કાશ્મીરમાં કલમ ૩૭૦ દૂર થવાના કારણે કાશ્મીરના ૧૮ ટકા લોકોની ગુલામીમાંથી બાકીના લોકોને આઝાદી મળી છે તેમ જમ્મુ-કાશ્મીરના પૂર્વ એમએલસી( મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ)સુરિન્દર અમ્બરદારે એક વાતચીતમાં કહ્યુ હતુ.
કલમ ૩૭૦ દૂર થતા પહેલા જમ્મુ કાશ્મીરમાં લોઅર હાઉસ (એસેમ્બલી) અને અપર હાઉસ( લેજિસ્લેટિવ કાઉન્સિલ) એમ બે પ્રકારના સભ્યો ચૂંટાતા હતા.અપર હાઉસમાં પાંચ વર્ષ સુધી સરકાર નિયુક્ત એમએલસી તરીકે રહેલા સુરિન્દર અમ્બરદાર શ્રીનગરમાં જ રહે છે.
એમ.એસ.યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીર પર યોજાયેલા એક સેમિનારમાં હાજરી આપવા માટે આવેલા સુરિન્દર અમ્બરદારે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, કાશ્મીરમાં કલમ ૩૭૦ દૂર થવાથી એ ૧૮ ટકા લોકોને પેટમાં દુખી રહ્યુ છે જેમની પાસે સત્તાની ચાવી હતી.કાશ્મીરમાં રાજકારણ સહિત તમામ ક્ષેત્રોમાં આ ૧૮ ટકા લોકોનુ જ રાજ હતુ.કલમ ૩૭૦ દૂર થવાથી બાકીના ૮૨ ટકા લોકોને હવે ખરા અર્થમાં આ ૧૮ ટકા લોકોથી આઝાદી મળી છે.
તેમણે કહ્યુ હતુ કે, કાશ્મીરમાં જે યુવા વર્ગ છે તેની પણ અપેક્ષાઓ બાકીના રાજ્યના યુવાઓ જેવી જ છે.કાશ્મીરના યુવાઓ પણ ઈચ્છે છે કે, કાશ્મીરમાં ફરી બોલીવૂડની ફિલ્મો પ્રદર્શિત થાય, આઈટી સેક્ટરનો લાભ કાશ્મીરને મળે, મેક ઈન ઈન્ડિયાનો પણ અમલ થાય અને યુવાઓને નોકરી મળે.આ બધુ કલમ ૩૭૦ દૂર થવાથી શક્ય બનશે.આગામી દિવસોમાં પંચાયતની ચૂંટણીઓ થકી જમ્મુ-કાશ્મીરમાં ૨૦૦૦૦ જેટલી બેઠકો પર લોકો પોતાના પ્રતિનિધિઓ ચૂંટવા પણ જઈ રહ્યા છે.આમ ખરા અર્થમાં લોકો પાસે સત્તા આવશે.