કામનાથ મહાદેવ મંદિર જ્યાં શિવલિંગ નીચેથી વિશ્વામિત્રીનું પાણી વહે છે
વડોદરાના નવનાથ મંદિરો પૈકીનું એકમાત્ર મંદિર
વડોદરાના નગરજનોની રક્ષા કરનાર નવનાથ મંદિરોનો ગાયકવાડે જિર્ણોધ્ધાર કરેલો હતો
વડોદરા,તા. 21 ડિસેમ્બર 2020, સોમવાર
વડોદરાના રક્ષક એવા નવનાથ મહાદેવમાના એક કામનાથ મહાદેવ મંદિરની ખાસિયત એવી છે કે ગર્ભાગારથી શિવલિંગ ૬.૭ ફૂટ નીચે આવેલું છે જેની નીચેથી વિશ્વામિત્રીનું પાણી આજે પણ અવિરત વહી રહ્યું છે, એમ ઈતિહાસજ્ઞાાતા ચંદ્રશેખર પાટિલનું કહેવું છે
તેમણે વધુમાં કહ્યું કે ડાકોર નજીક ૧૨મી સદીમાં બનેલા ગળતેશ્વર શિવ મંદિરની પણ આવી જ રચના છે જ્યાં શિવલિંગ નીચેથી મહી અને ગળતી નદીના પાણી વહી રહ્યા છે. મહાદેવ હંમેશા સ્મશાનના દેવ ગણાય છે એટલે કામનાથ મહાદેવ નજીક સ્મશાન આવેલું હતું. જ્યાં મહારાજા સયાજીરાવ પ્રથમ અને ફતેહસિંહ રાવ પ્રથમની સમાધિ બનાવવામાં આવી છે. અત્યારે સ્મશાન તો ઉપયોગમાં લેવાતું નથી પણ અહીં અધિકમાસ, શ્રાવણમાસ તેમજ પિતૃ શ્રાધ્ધની વિધિ કરવામાં આવે છે.
વડોદરાવાસીઓની રક્ષા માટે વર્ષો પહેલા શહેરની ચારે તરફ નવનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. જેનો જિર્ણોધ્ધાર ગાયકવાડી શાસકોએ કર્યો હતો. કામનાથ મહાદેવ મંદિરના ગુંબજોમાં સુંદર ભીંતચિત્રો આવેલા હતા જો કે મંદિરમાં રંગરોગાન થતા તેનું નામોનિશાન જતું રહ્યું છે. કામનાથ મંદિરની બાજુમાં આવેલા રામનાથ મંદિરમાં આજે પણ ૧૮મી સદીના ભીંતચિત્રો જોવા મળે છે જેમાં રામાયણ, મહાભારત, વિષ્ણુપુરાણના પ્રસંગો તેમજ મહારાણા પ્રતાપ અને તેમના સૈનિકો યુધ્ધના મેદાનમાં લડાઈ કરી રહ્યા છે તે દર્શાવવામાં આવ્યું છે. આ માટે ખાસ રાજસ્થાનના કોટાથી ચિત્રકારો બોલાવવામાં આવ્યા હતા.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં કમાટીબાગથી કામનાથ મંદિરને જોડતો બ્રિજ બંધાવવામાં આવ્યો હતો. ૧૯૭૧ની આસપાસ શ્રાવણ મહિના દરમિયાન બ્રિજ પર મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતા બ્રિજ તૂટી ગયો હતો જેમાં કેટલાક ભક્તો મોતને ભેટયા હતા.
ઉલ્લેખનીય છે કે વર્ષો જૂના આ મંદિરની હાલત દયનીય થઈ ગઈ છે તેના પરિસરમાં આવેલો ઘાટ કચરાના ઢગ નીચે દબાઈ ગયો છે જેની સફાઈ ઝુંબેશ કાવડ યાત્રા સમિતિ દ્વારા આજથી શરુ કરાશે.