જુના સચિવાલયની પાછળ પિસ્તોલ સાથે કલોલનો શખ્સ દબોચી લેવાયો
નોનવેજની લારીઓને કારણે મીનાબજાર અસામાજિક પ્રવૃત્તિનો
અડ્ડો
બાતમીને આધારે નશાની હાલતમાં શખ્સને અલસીબીએ પકડી પાડયોઃપિસ્તોલ ક્યાંથી લાવ્યો તે જાણવા પુછપરછ
ગાંધીનગર : ગાંધીનગર જુના સચિવાલય પાછળ આવેલું મીનાબજાર છેલ્લા ઘણા વખતથી નોનવેજની લારીઓને કારણે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. અહીં દારૃ પીનારા નોનવેજ ખાવા રાત્રે આવતા હોય છે ત્યારે બાતમીને આધારે એલસીબીએ આવી જ રીતે નશામાં નોનવેજ ખાવા આવેલા કલોલના એક શખ્સને પકડયો હતો જેની પાસેથી પોલીસને પિસ્તોલ પણ મળી આવી છે.પિસ્તોલ જપ્ત કરીને આ યુવાનની ધરપકડ સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના જુના સચિવાલય પાછળ આવેલી મીનાબજારમાં દિવસ દરમ્યાન ખાણી-પીણીથી લઇને ઘરવખરીની ચીજવસ્તુ તથા કપડાં-કરીયાણું વેચાય છે પરંતુ ગેરકાયદેસરરીતે રાત્રે અહી નોનવેજની હાટડીઓ શરૃ થઇ ગઇ છે જ્યાં પણ ભારે ભીડ હોય છે એટલુ જ નહીં, અહીં દારૃ પીવા સહિતની અન્ય અસમાજિક પ્રવૃત્તીઓ આ નોનવેજની લારીઓની આડમાં ફુલીફાલી છે. ત્યારે કલોલનો એક યુવાન અહીં આવ્યો છે તેની પાસે પિસ્તોલ હોવાની બાતમી એલસીબીને મળી હતી જેના પગલે લોકલ ક્રાઇમબ્રાન્ચના જવાનો ત્યાં પહોંચ્યા હતા અને દારૃ પીને નશાની હાલતમાં બેઠેલા શખ્સને પકડી પાડયો હતો.તેની તપાસ કરતા તેની પાસેથી મશીન કટ પિસ્તોલ મળી આવી હતી. પોલીસે કલોલ રેલવે પૂર્વની ઓમ રેસીડેન્સીમાં રહેતા ભાવેશ કાંતિભાઇ ચૌહાણ નામના આ શખ્સની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત તેની પાસે રહેલી પિસ્તોલ તે ક્યાંથી લાવ્યો અને તેના શું ઉપયોગ કરવાનો હતો તે અંગે પણ હવે પુછપરછ કરવામાં આવશે.