Get The App

શિવજીનું સ્વરુપ કૈલાસપતિ ફૂલ અને શિવલિૅગી બીજમાં દેખાય છે

દુર્લભ કૈલાસપતિના લાલ મોટા ફૂલની વચ્ચે શિવલિંગને છત્રછાયા આપતો પીળા રંગનો શેષનાગ જોવા મળે છે

Updated: Jul 21st, 2020

GS TEAM


Google News
Google News

વડોદરા, તા.21 જુલાઈ 2020, મંગળવાર
શિવજીનું સ્વરુપ કૈલાસપતિ ફૂલ અને શિવલિૅગી બીજમાં દેખાય છે 1 - image

આપણે કહીએ છીએ જ્યાં જીવ ત્યાં શિવ, તેની સાબિતી પ્રકૃતિના તત્વો પણ આપી રહ્યા છે. વનરાજીમાં શિવજીએ કૈલાશપતિ ફૂલ અને શિવલીંગ બીજને પોતાનું સ્વરુપ આપ્યું છે. કૈલાસપતિ, શિવકમલ, નાગલિંગમ, મલ્લિકાઅર્જૂન જેવા નામોથી ઓળખાતું આ ફૂલ શિવજીને પ્રિય હોવાથી તેમને પવિત્ર શ્રાવણ માસમાં ચઢાવવામાં આવે છે. જ્યારે મહાદેવી અને શિવલિંગી તરીકે ઓળખાતા બીજમાં તો સાક્ષાત શિવલિંગના જ દર્શન થાય છે.

પવિત્ર શ્રાવણ માસની આજથી શરુઆત થઈ છે, ત્યારે મંદિરમાં જતા ભક્તોના હાથમાં રહેલા પૂજાના થાળમાં ચોક્કસ કૈલાસપતિ ફૂલ જોવા મળે છે. આ ફૂલ વિશે એમ.એસ.યુનિ.ના બોટની વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નવરચના યુનિ.ના પ્રો.ડો.કરણ રાણાએ કહ્યું કે, કૈલાસપતિનું ફૂલ સૌથી વધારે અમેરિકા અને એમેઝોનના જંગલોમાં જોવા મળે છે. આ ફૂલની વિશેષતા એ છે કે નીચે લાલ રંગના મોટા કમળ જેવું હોય છે તેની વચ્ચે નાનકડા શિવલિંગ જેવી પ્રતિકૃતિ હોય છે અને તેની ઉપર છત્રછાયા આપતો પીળા રંગનો શેષનાગ બિરાજેલ જોવા મળે છે જેથી આ ફૂલ શિવકમલ તરીકે ઓળખાય છે. 

શિવકમલનું ઝાડ આખું વર્ષ તેના સુંદર ફૂલોથી છવાયેલું રહે છે. સામાન્ય રીતે બધા વૃક્ષોમાં ડાળીઓમાં ફૂલ આવે છે જ્યારે આ સીધુ થડમાંથી જ ઊગે છે. તેનુ ફળ મોટા દડા આકારનું હોય છે જેની અંદર ૫૦૦થી પણ વધારે બીજ હોય છે. આ વૃક્ષનો વિકાસ ખૂબ જ ધીમો હોવાથી કોઈ તેને ઉગાડવાનું પસંદ કરતા ન હોવાથી તે લુપ્ત થઈ રહ્યું છે. આજથી પાંચ વર્ષ પહેલા જ્યારે આ વૃક્ષ પર અભ્યાસ કરતો હતો ત્યારે કાલાઘોડા પાસે વિશ્વામિત્રી બ્રિજ નજીક જોવા મળતું હતું. જો કે આજે તેનું નામોનિશાન પણ રહ્યું નથી. હવે ફક્ત એમ.એસ.યુનિ.ની બોયઝ હોસ્ટેલ નજીક જોવા મળે છે.

કૈલાસપતિનું ફૂલ, પાન અને ફળ સ્વાસ્થ્ય માટે ગુણકારી શિવજીનું સ્વરુપ કૈલાસપતિ ફૂલ અને શિવલિૅગી બીજમાં દેખાય છે 2 - image

કૈલાસપતિના વૃક્ષના પાનમાંથી બનાવેલો રસ ચામડીના રોગ, મેલેરિયા, શરદી,  દાંત અને પેટના દુખાવા માટે લાભદાયી છે. જ્યારે તેનું ફૂલ એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે. ઉપરાંત તેના ફળ, થડની છાલ વગેરે જઠર, ખંજવાળ, રક્તસ્ત્રાવ, મરડો તેમજ શરીરમાંથી વીંછીનું ઝેર ઉતારવામાં ગુણકારી છે.

ખેતરોની વાડમાં ઉગતુ શિવલિંગી બીજ પુત્રપ્રાપ્તિ માટે શ્રેષ્ઠ ગણાય છેશિવજીનું સ્વરુપ કૈલાસપતિ ફૂલ અને શિવલિૅગી બીજમાં દેખાય છે 3 - image

ડો.કરણે કહ્યું કે ખેતરોની વાડમાં શિવલિંગીની વેલ ઉગે છે. શહેરમાં ભાયલી અને પાદરા બાજુના ખેતરોમાં જોવા મળેે છે. આ વેલ પર વરસાદ આવતા જ સુંદર લીલા રંગના ફળ આવે છે. પાકુ થતાં તેનો રંગ લાલ થઈ જાય છે અને તેની અંદર સ્વાદમાં કડવું શિવલિંગ આકારનું બીજ આવે છે જેથી આ વેલ શિવલિંગી તરીકે ઓળખાય છે. જે સ્ત્રીને ગર્ભ ન રહેતો હોય અથવા તો જેઓ પુત્રપ્રાપ્તિ ઈચ્છતા હોય તેમના માટે આ શિવલિંગી બીજ શ્રેષ્ઠ ગણાય છે. આ વેલના પાન, ફળ અને બીજ શિશુને માતાના ગર્ભમાં સ્વસ્થ રાખે છે, શ્વાસની બીમારી, પાચનક્રિયા, લીવર માટે લાભદાયી છે.

Tags :