જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની મદ્રાસ હાઇકોર્ટમાં બદલીની ભલામણ
સુપ્રીમ કોર્ટ કોલેજીયમનો સત્તાવાર નિર્ણય જારી
ત્રિપુરાના ચીફ જસ્ટિસ અકીલ કુરેશીને રાજસ્થાનના ચીફ જસ્ટિસપદે નિયુક્ત કરવા ભલામણ
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની બદલી મદ્રાસ હાઇકોર્ટમાં કરવા સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના નવા જસ્ટિસ તરીકે કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ અરવિંદ કુમારના નામની ભલામણ પણ કરવામાં આવી છે. આ ભલામણોને આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રામન્ના, જસ્ટિસ યુ.યુ. લલિત અને જસ્ટિસ એ.એમ. ખનવિલકરની ખંડપીઠ દ્વારા 13 હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસની નિયુક્તિની ભલામણ કરવામાં આવી છે તેમજ વિવિધ હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓને અન્ય હાઇકોર્ટમાં બદલી કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.
ગુજરાતના ચીફ જસ્ટિસનું પદ સપ્ટેમ્બર માસની શરૂઆતથી ખાલી છે, જેથી કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ અરવિંદ કુમારને પદોન્નત કરી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયને મદ્રાસ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા ભલામણ કરાઇ છે.
આ ઉપરાંત મૂળ ગુજરાત હાઇકોર્ટના અને હાલ ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અકીલ કુરેશીને રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ટ્રાન્સફર કરવા ભલામણ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે દેશના સૌથી સીનિયર ન્યાયમૂર્તિઓ પૈકીના એક હોવા છતાં જસ્ટિસ કુરેશીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત ન કરાઇ રહ્યા હોવાની ચર્ચા ઘણાં સમયથી વિવિધ વર્તુળોમાં ચાલી રહી છે.