5.61 કરોડની છેતપિંડીના કેસમાં જયંતી ઠક્કરની ધરપકડ
- ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના હત્યાના આરોપી ઠક્કરે ખોટા સભાસદો ઉભા કર્યા હતા
અમદાવાદ, તા. 11 જુલાઇ 2019, ગુરૂવાર
ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેન્ક.લી.(કેડીસીસી) ભુજમાંથી ડુમરા સહકારી મંડળીના સભાસદોના નામે લોન લઈને ૫.૬૧ કરોડની છેતરપિંડીના કેસમાં સીઆઈડી ક્રાઈમે સહકારી મંડળીના પ્રમુખ જયંતીલાલ જેઠાલાલ ઠક્કરની ધરપકડ કરી છે.
આ અંગે કેડીસીસી બેન્કના અધિકારીએ આ અંગે શ્રી ડુમરા સેવા સહકારી મંડળી (ડુમરા ગામ)ના પ્રમુખ જયંતીલાલ જે.ઠક્કર, મંત્રી કનુભા મમુભા જાડેજા, કમિટી સભ્ય કરમશી દેસર, છગનલાલ મેઘજી શાહ અને કોઠારા બ્રાંચના તત્કાલીન મેનેજર સંજય આર.ત્રિપાઠી તથા અન્ય મળતીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓએ ભેગા મળીને કાવતરૂ ઘડીને ગેરકાયદે કેડીસીસી બેન્કમાંથી ડુમરા સહકારી મંડળીના કુલ ૬૨૧ સભાસદોના નામે ૨૦૦૨થી આદજીન સુધી કરોડો રૂપિયાની લોન મેળવી લીધી હતી અને રૃ.૫,૬૧,૧૨,૬૦૧ નહી ભરીને સભાસદોના નામે ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરી હતી. જેમાંથી કેટલાક સભાસદો લોન લેતા અગાઉ અવસાન પામ્યા હતા અને ઘણા સભાસદોએ લોન નહી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આમ બેન્ક સાથે ખોટા દસ્તાવેજો તથા ખોટા સભાસદો ઉભા કરીને ડુમરા સેવા સહકારી મંડળીના નામે ખોટી રીતે લોન લઈને ભરપાઈ ન કરીને ગુનો કરવામાં આવ્યો હતો.
આરોપી જયંતીલાલ ઠક્કર આ સમયગાળા દરમિયાન કેડીસીસી બેન્કના ડાયરેક્ટર હતા તથા ડુમરા સેવા સહકારી મંડળીના પ્રમુખ હતા. ટ્રાન્સફર વોરન્ટને આધારે તેની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જયંતી ઠક્કરની ધરપકડ થઈ હતી. તે સિવાય ભચાઉ પોલીસ સ્ટેશનમાં તેની સામે બે ગુના અને સીઆઈડી ક્રાઈમ, બોર્ડર ઝોન ભુજમાં તેની સામે ગુનો નોંધાયેલો છે.