જાબાલી ઋષિની ઉત્કંઠાથી પ્રગટ થયેલા ઉત્કંઠેશ્વર મહાદેવ
- 2000 વર્ષ પુરાણું આ મંદિર મેશ્વો નદીનાં કિનારે આવેલું છે
- ઋષિએ એક જ રાતમાં ડાંગર ઉગાડી, સાધુઓ જમવા બેસતાં ડાંગરમાં દેખાયા કીડા, મહાદેવે કરી પરીક્ષા
દહેગામ, તા. 26 ઓગસ્ટ 2018, રવિવાર
હજારો વર્ષો પૂર્વે આ સ્થા પર જાબાલી ઋષિનો આશ્રમ હતો. એક દિવસ આશ્રમ પાસેથી સાધુઓની જમાત નીકળી અને વિશ્રામ કરવા આશ્રમમાં રોકાઈ. જાબાલી ઋષિ માંસાહારી હતા માટે સાધુઓને જમવાનું આમંત્રણ આપતા તેમણે ના પાડી. સાધુઓએ જણાવ્યું કે તમે માંસાહારી છો અને માંસાહાર નથી કરતા.
આ વાત સાંભળી અને જાબાલી ઋષિએ કહયું કે હું તમારા માટે શાકાહારી ભોજનની વ્યવસ્થા કરી આપી. તમે આજની રાત અહીંયા રોકાઈ જાઓ. કાલે સવારે તમને ભાતનું જમણ કરાવું. આ સાંભળી અને સાધુઓ હસવા લાગ્યા. એક જ રાતમાં ભાત કયાંથી આવશે? છતાં પણ ઋષિનો આગ્રહ જોઈ અને સાધુઓની જમાત રોકાઈ ગઈ.
સાધુઓની જમાતને જમાડવા માટે બાજુમાં આવેલી પાણીના વેરામાં ડાંગર વાવી, ઋષિના તપથી એક જ રાતમાં ડાંગર ઉગી ગઈ અને સવારે ડાંગરના ભાત બનાવી અને આખી જમાતને જમવા બેસાડી. પીરસવાનું શરૃ કર્યું તો ભાતમાં ચોખાની જગ્યાએ કીડા દેખાયા. દેવાના દેવ મહાદેવએ પોતાના પરમ ભકતની કસોટી કરવાનું વિચાર્યું. ભાતમાં કીડા જોતાની સાથે જ સાધુઓની જમાત ઉઠી અને ચાલવા લાગી.
પોતાના આશ્રમમાંથી કોઈ જમવાની થાળી ઉપર ભૂખ્યા ઉઠીને જાય તે જાબાલી ઋષિને મોત સમાન લાગ્યું. તેમણે મહાદેવનું આહવાન કર્યું અને જો આ સાધુઓની જમાત ભુખી જશે તો પોતે મોતને વહાલુ કરશે તેવી પ્રતિજ્ઞાા લીધી. તેમની ઉત્કંઠાથી પોતાના કંઠ દ્વારા મહાદેવનું આરાધન કર્યું અને પોતાના ભક્તની પીડા જોઈ અને મહાદેવમાં અતૂટ શ્રધ્ધાના લીધે સ્વયંભૂ પ્રગટ થયા ઉત્કંઠેશ્વર મહાદેવ.
સાધુઓને જમાડવા માટે બનાવેલા ભાત ફરી હેમખેમ થયા અને ભોળાનાથએ જાબાલી ઋષિને આશિર્વાદ આપ્યા. પુત્ર પ્રાપ્તિ માટે થાય છે અહીં માનતા કરવામાં આવે છે. માનતા પૂર્ણ થાય તો અહીં ચૌલક્રિયા કરવાની માન્યતા છે. દહેગામથી ર૦ કીમી દુર કપડવંજ તાલુકામાં મેશ્વો નદી પર આવેલું છે.
દેવાના દેવ મહાદેવ ઉત્કંઠેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવલીંગ. જમીનથી ર ફુટ અંદર આવેલું આ શિવલીંગ ર૦૦૦ વર્ષ જુનુ છે. સરકાર દ્વારા આઠ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહયા છે. નદી કિનારે ડુંગરી માતાજીનું મંદિર આવેલું છે.
૩૩ કરોડ દેવતાઓનો અહીં વાસ છે તેવુ માનવામાં આવે છે. ચૌલક્રિયા કર્યા બાદ લોકો અહીં ઉંટોની સવારી અચૂક કરતાં હોય છે. સ્થાનિકોમાં ડુંગરી માતાજીમાં અપાર શ્રધ્ધા છે અને તે ૧૮ વરણના કુળદેવી તરીકે પૂજાય છે.