Get The App

દરોડામાં બૅન્ક કર્મચારીને વિટનેસ તરીકે રાખવાના પગલાંની કાયદેસરતા સામે સવાલ

આવકવેરા ખાતાનું સર્ચ ઓપરેશનમાં ઑફિસ મેન્યુઅલનો ભંગ

વિટનેસની હાજરીમાં જ દરોડા હેઠળના કરદાતાનું સ્ટેટમેન્ટ લેવાના નિયમનો ધરાર થઈ રહેલો ભંગ

Updated: Dec 1st, 2021

GS TEAM

Google News
Google News
દરોડામાં બૅન્ક કર્મચારીને વિટનેસ  તરીકે રાખવાના પગલાંની કાયદેસરતા સામે સવાલ 1 - image

(પ્રતિનિધિ તરફથી) અંમદાવાદ,બુધવાર

આવકવેરા અધિકારીઓ સર્ચ ઓપરેશન દરમિયાન વિટનેસ તરીકે બેન્ક કર્મચારીઓને સાથે લઈ જતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારત સરકારના ડિરેક્ટોરેટ ઑફ ઇન્કમ ટેક્સ દ્વારા ફેબુ્રઆરી ૨૦૦૩માં બહાર પાડવામાં આવેલા મેન્યુઅલ ઑફ ઑફિસ પ્રોસિજરમાં જણાવ્યા મુજબ દરોડા જે પાર્ટી કે પક્ષકારને ત્યાં પાડવામાં આવ્યા હોય તેમની અનુમતીથી બેથી ચાર વિટનેસને સાથે રાખવા જરૃરી છે. પરંતુ આવકવેરા જે બૅન્ક કર્માચારીઓને સાથે લઈ જાય છે તે બૅન્ક કર્મચારીઓની જવાબદારી કરદાતા પર દરોડા દરમિયાન કોઈપણ જાાતનું દબાણ ન લાવે તે રીતે કાર્યવાહી કરવાની હોય છે અને દરોડાની કાર્યવાહી દરમિયાન વિટનેસને સતત હાજર રાખવાના હોય છે, પરંતુ વાસ્તવમાં આવકવેરા અધિકારીઓ તેમની સાથે લઈ જતાં વિટનેસને બૅન્કિંગ અવર્સ પછી ઘરે પણ જવા દે છે. આ વલણ મેન્યુઅલની જોગવાઈથી વિપરીત છે.

વાસ્તવમાં જે પાર્ટીને ત્યાં તો દરોડા દરમિયાન વિટનેસ તરીકે જેને રાખવામાં આવ્યા છે તે વિટનેસને દરોડાનો ભોગ બનેલી પાર્ટી માન્ય રાખે તો જ તેને વિટનેસ તરીકે રાખવામાં આવે છે. વાસ્તવમાં દરોડા હેઠળના કરદાતાને આ અંગે જાણકારી જ ન હોવાથી બહુધા તેમની મંજૂરી લેવાતી નથી. તેમ જ તેમની મંજૂરી તેમની સમજણ બહાર જ લઈ લેવામાં આવતી હોવાનું જણાય છે.

વિટનેસનું કામ દરોડા હેઠળના કરદાતા પર આવકવેરા અધિકારીઓ કોઈ જ પ્રકારનું દબાણ ન લાવે તે જોવાનું હોય છે. પરંતુ આ બાબતની જાણકારી વિટનેસને હોતી જ નથી. તેમ જ બૅન્કના જે કર્મચારીઓને વિટનેસ તરીકે લઈ જવામાં આવે છે તે ચોવીસ કલાક હાજર પણ રહેતા નથી. વાસ્તવમાં કરદાતા જે વિસ્તારમાં રહેતો હોય કે ઑફિસ ધરાવતો હોય તે વિસ્તારના બે સ્વતંત્ર વ્યક્તિઓને વિટનેસ તરીકે રાખવાના હોય છે. તેવું થતું નથી. તેને બદલે તેઓ  દરોડા પાડનારા આવકવેરા અધિકારીો સાથે વિટનેસ તરીકે જતાં બૅન્ક ઑફિસર્સ તેમના કામકાજના કલાકો પૂરા થઈ જતાં ઘરે ચાલ્યા જાય છે. પરિણામે વિટનેસની સતત હાજરીના નિયમનો ભંગ થાય છે. તેમ જ મોડી રાત્રે દરોડા હેઠળના કરદાતાના સ્ટેટમેન્ટ લેવામાં આવે ત્યારે તેમની ઉપસ્થિતિ પણ ન હોવાની શક્યતા રહેલી  છે. મેન્યુઅલમાં જણાવ્યા મુજબ સાક્ષીની હાજરીમાં જ નિવેદન-સ્ટેટમેન્ટ લેવું અનિવાર્ય છે. પરંતુ તેવું થતું નથી. કરદાતાને આ હકીકતની જાણ થાય તો પણ આવકવેરા અધિકારીઓ વધારે કનડશે તેમ માનીને તેની સામે લાચાર બની ચૂપ રહે છે.

દરોડા હેઠળ આવરી લેવામાં આવેલી કંપનીના પ્રમોટરોને દરોડા ચાલુ રહે તેટલા દિવસ તેમના ઘરે જવા દેતા નથી. તેમને ન્હાવાની પણ છૂટ આપતા નથી. આમ તેમને માનસિક રીતે તોડી નાખવાની કામગીરી આવકવેરા અધિકારીઓ કરે છે. ઑફિસરે પોતે તો ફાઈવસ્ટાર હોટેલમાં કે પોતાના ઘરે જઈને આરામ પણ કરી લે છે. પરંતુ દરોડા હેઠળ આવરી લેવાયેલા કરદાતાને તેમની ઑફિસમાંથી ચસકવા પણ દેતા નથી. ગમે તે સીઝન હોય તેમનો સંપૂર્ણ ધંધો અટકાવી દે છે. તેની સાથે જ કહે છે કે અમે ચારને બદલે આઠ દિવસ બેસી રહીશું. અમને કોઈ જ નુકસાન થશે નહિ. તમારો ધંધો તૂટી જશે. આ રીતે દબડાવીન ેતેમના પર દબાણ વધારવાની કામગીરી કરે છે. આ રીતે પોતાની ઇચ્છા મુજબનું સ્ટેટમેન્ટ લખાવી દેવા દબાણ પણ કરવામાં આવે છે. સ્ટેટમેન્ટ આપનારને કાનૂની સલાહ લેવાની તક પણ મળવી જોઈએ. પરંતુ દરોડા પાડનારા અધિકારીઓ આ તક પણ આપતા નથી.