PSIની ખાતાકીય પરીક્ષામાં ગેરરીતિ કોર્ટનો તમામ પેપર તપાસવા હુકમ
PSI બની ગયા હોય તેઓ ગેરલાયક થાય તેવી સ્થિતિ ઃ છ સપ્તાહમાં રિપોર્ટ કરવા સરકારને આદેશ
વડોદરા, તા.4 ફેબ્રુઆરી મંગવાર
ગુજરાત પોલીસમાં પીએસઆઇ માટે વર્ષ-૨૦૧૭માં લેવાયેલી ખાતાકીય પરીક્ષામાં નિયમો વિરુધ્ધ પેપર તપાસવામાં આવ્યા હોવાનું હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસે સ્વીકાર્યા બાદ તમામ પેપરો નિયમ મુજબ તપાસી કોર્ટેને રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટના આ નિર્ણયથી જે તે સમયે પીએસઆઇની પરીક્ષામાં આચરવામાં આવેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે.
આ અંગેની વિગત એવી છે કે પોલીસખાતામાં ૧૫ વર્ષથી વધારે નોકરી થઇ હોય તેવા કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ પીએસઆઇ બનવા માટે ખાતાકીય પરીક્ષામાં ભાગ લઇ શકે તે માટે વર્ષ ૨૦૧૫ -૧૬માં જાહેરાત કરવામાં આવી હતી અને વર્ષ ૨૦૧૭માં પરીક્ષા લેવાઇ હતી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં એવો નિયમ હતો કે કુલ ૧૫ પ્રશ્નો પૈકી શરૃઆતમાં લખાયેલા ૧૨ પ્રશ્નોના ઉત્તરો જ ધ્યાનમાં લેવાશે જ્યારે ૧૨ પ્રશ્નો પછીના ઉત્તરો સાચા હશે તો પણ ધ્યાનમાં લેવાશે નહી. આ નિયમને વળગી રહીને મોટાભાગના ઉમેદવારોએ સમય બચાવવા માટે માત્ર ૧૨ પ્રશ્નોના ઉત્તરો લખ્યા હતા જ્યારે કેટલાકે ૧૫ પ્રશ્નોના ઉત્તરો લખ્યા હતાં.
થોડા સમય બાદ જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે પોલીસ કર્મચારીઓ અચંબામાં મુકાઇ ગયા હતાં. પરીક્ષામાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાના પગલે અનેક ઉમેદવારોએ આરટીઆઇ દ્વારા ઉત્તરવહી મેળવીને તપાસતા ૧૫ પ્રશ્નો લખ્યા હોય તેઓના તમામ પ્રશ્નો ચકાસાયા હતા, ૧૨ પ્રશ્નોના ઉત્તરનો જે નિયમ હતો તેનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસમાં ફરજ બજાવતા અનેક કોન્સ્ટેબલોને પોતાને અન્યાય થયો હોવાનું લાગતા હાઇકોર્ટમાં સીંગલ જજ સમક્ષ પીટીશન કરી હતી પરંતુ આ પીટીશન ન્યાયાધીશે કાઢી નાંખી હતી.
બાદમાં ઉમેદવારો દ્વારા બે ન્યાયાધીશોની બેંચ સમક્ષ પીટીશન કરતા ન્યાયાધીશોએ નિયમ મુજબ પેપર તપાસાયા નથી તેવુ સ્વીકાર્યુ હતુ અને તમામ પેપર ફરીથી તપાસી છ સપ્તાહમાં કોર્ટને રિપોર્ટ કરવાનો હુકમ કર્યો છે. હાઇકોર્ટના હુકમના પગલે તમામ પેપરો ફરી તપાસવામાં આવી રહ્યા છે.
ll