નિર્લિપ્ત રાયે લીસ્ટેડ બુટલેગર્સ, કેમિકલ ચોર અને બાયો ડીઝલ માફિયાઓની યાદી મંગાવી
સ્ટેટ મોનીટરીંગ સેલમાં હાજર થતા પહેલા જ સક્રિય થયા નિર્લિપ્ત રાય
સ્ટેટ મોનીટરીંગમાં નવા પીઆઇ અને પીએસઆઇની પસંદગી કરે તેવી શક્યતાઃ
અમદાવાદ
રાજ્યની સૌથી મહત્વની ગણાતી સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિર્લિપ્ત રાયની બદલીની જાહેરાત થવાની સાથે જ આ સેલના સ્ટાફને મોટા પ્રમાણમાં સક્રિય કરીને લીસ્ટેડ બુટલેગર્સ, બાયોડીઝલ અને કેમિકલ ચોરી સાથે જોડાયેલા અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. જે માટે નિર્લિપ્ત રાયે હાલ અમરેલી જિલ્લા પોલીસ વડાનો ચાર્જ નથી છોડયો તે પહેલાં જ તેમણે લીસ્ટેડ આરોપીઓની યાદી મંગાવીને પેપર વર્ક શરૃ કરી દીધું છે. તો બીજી તરફ સ્ટેટ મોનીટરીંગ સેલમાં નવા પીઆઇ અને પીએસઆઇ માટે ડેપ્યુટેશન પર નવી જ ટીમ તૈયાર કરશે તેવ સંકેત પણ તેમણે આપ્યા છે.તાજેતરમાં આઇપીએસની બદલીઓમાં સૌથી મહત્વની બદલી અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનીટરીંગ સેલમાં કરવામાં આવી તે હતી. આકરો સ્વભાવ અને નોન કરપ્ટેડની છાપ ધરાવતા નિર્લિપ્ત રાયની આ બદલીને કારણે સ્ટેટ મોનીટરીંગ સેલ ફરીથી ધમધમતુ થશે તેવા સંકેતો તેમણે ચાર્જ લીધા પહેલા જ આપ્યા છે. હાલ તેમણે અમરેલી જિલ્લા પોલીસ વડાનો ચાર્જ નથી છોડયો પરંતુ, તે પહેલાં તેમણે સમગ્ર ગુજરાતના લીસ્ટેડ બુટલેગર્સ, કેમીકલ ચોરી અને બાયોડીઝલના કૌભાંડ સાથે જોડાયેલા આરોપીઓની યાદી મંગાવીને હોમ વર્ક શરૃ કર્યું છે. આ સાથે તેમણે સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફની યાદી મંગાવી છે. જેથી ચાર્જ લીધા બાદ ટુંક સમયમાં જ કામગીરી કરી શકાય. સુત્રોના જણાવ્યા મુજબ તેમણે ૫૦ જેટલા લીસ્ટેડ બુટલેગર્સની યાદી મગાવી છે કે જેમની સામે અનેક ગુના નોંધાયા હોય અને રાજસ્થાન, પંજાબ અને હરિયાણાથી દારૃ મંગાવવામાં આવતો હોય . બાયો ડીઝલ અને કેમિકલ ચોરીમાં મોટા માફિયાઓ જોડાયેલા હોવાથી તેમની સામે કાર્યવાહી કરવા માટે અલગ જ ટીમ તૈયાર કરે તેવી શક્યતા છે. હાલ સ્ટેટ મોનીટરીગ સેલમાં પાંચ પીઆઇ, નવ પીએસઆઇ સહિત કુલ ૪૦ પોલીસ કર્મીઓનો સ્ટાફ છે. જે મંજુર મહેકમ કરતા વધારે છે. જો કે મોનીટરીંગમાં મોટાભાગનો સ્ટાફ વધુમા વધુ છ મહિના સુધી રહે છે અને ત્યારબાદ તેમના સ્થાને નવો સ્ટાફ નિયુક્ત થાય છે. જેથી કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય. તેવામાં નિર્લિપ્ત રાય હાલના સ્ટાફનો રિવ્યુ કરીને હાજર થયાના એક જ મહિનામાં નવો સ્ટાફ નિયુક્ત કરી શકે છે. સામાન્ય રીતે સ્ટેટ મોનીટરીંગ સેલ જે પોલીસ સ્ટેશનની હદમાં દારૃની રેડ કરે છે ત્યારે એક લાખ ઉપરનો મુદ્દામાલ હોય તેવી સ્થિતિમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ કે પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવે છે. જેથી હવે ગુજરાતમાં જે પોલીસ સ્ટેશનની હદમાં સૌથી વધારે દારૃનો ગેરકાયદેસર ધંધા થતા હતા. સ્ટેટ મોનીટરીગ સેલની રેડ ન થાય તે માટે જે તે પોલીસ સ્ટેશનના પીઆઇ કે પીએસઆઇ અત્યારથી જ સર્વલન્સ સ્ટાફને કામગીરી કરવા માટે સુચના આપી છે. જેના ભાગરૃપે અમદાવાદ ગ્રામ્યમાં બગોદરા, દેત્રોજ અને નરોડા-દહેગામ રોડ પર સ્થાનિક પોલીસે જ જાતે રેડ કરીને રૃપિયા ૧૦ લાખની કિંમતનો વિદેશી દારૃ જપ્ત કર્યો હતો. આમ, હવે સ્થાનિક સ્તરે લોકલ પોલીસની સક્રિયતા અત્યારથી જ વધી ગઇ છે.