Get The App

શહેરમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ, અમદાવાદમાં નદીપારના વિસ્તાર સાથે દક્ષિણ,મધ્યઝોનમાં કોરોના, કુલ ૪૩ કેસ

૧૯ જુન બાદ પહેલી વખત શહેરમાં ૪૦ થી વધુ કેસ, ૧૯ નવેમ્બર બાદ પહેલી વખત બે સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં

Updated: Dec 24th, 2021

GS TEAM


Google News
Google News
શહેરમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ, અમદાવાદમાં નદીપારના વિસ્તાર સાથે દક્ષિણ,મધ્યઝોનમાં કોરોના, કુલ ૪૩ કેસ 1 - image


અમદાવાદ,ગુરુવાર,23 ડીસેમ્બર,2021

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણનો વ્યાપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.નદીપારના વિસ્તારો ઉપરાંત દક્ષિણ અને મધ્ય ઝોનના વિસ્તારોમાં પણ ફરી એક વખત કોરોના સંક્રમણના કેસ નોંધાવા પામ્યા છે.જોધપુર ઉપરાંત થલતેજ, ગોતા તથા ચાંદખેડા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં ગુરુવારે નવા નોંધાયેલા કેસ પૈકીના મોટાભાગના કેસ નોંધાયા છે.ઉપરાંત દક્ષિણ ઝોનમાં મણિનગર,ઘોડાસર ઉપરાંત ખોખરા વોર્ડમાં પણ કોરોનાના નવા કેસ નોંધાયા છે.મધ્ય ઝોનમાં પણ કોરોનાના છ એકટિવ કેસ છે.૧૯ જુન બાદ પહેલી વખત શહેરમાં ૪૦ થી વધુ કેસ નોંધાયા છે.૧૯ નવેમ્બર બાદ પહેલી વખત ચાંદખેડા અને ચાંદલોડિયાના એક-એક સ્થળને કોરોના સંક્રમણને લઈ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે..

શહેરમાં દિવાળી પર્વ બાદ વિદેશ પ્રવાસ ગયેલા કે રાજય બહાર અન્ય રાજયમાં જઈ પરત ફરેલા લોકો ફરી કોરોના સંક્રમિત બન્યા હોવાનું  ટ્રાવેલ હીસ્ટ્રીમાં બહાર આવવા પામ્યુ છે.બુધવારે અમદાવાદમાં કોરોનાના ૨૫ કેસ અને ઓમિક્રોનના પાંચ કેસ નોંધાતા મ્યુનિસિપલ હેલ્થ તંત્ર સતર્ક થઈ ગયુ હતું.૮૦ અર્બન હેલ્થ સેન્ટર અને ૩૨ જેટલા કીયોસ્ક ઉપર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.પશ્ચિમમાં આવેલા પાલડી,નવરંગપુરા ઉપરાંત ચાંદખેડા ઉપરાંત ઉત્તર-પશ્ચિમમાં આવેલા ચાંદલોડિયા, ગોતા ,થલતેજ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમના જોધપુર વોર્ડમાં કોરોનાના નવા કેસ નોંધાયા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

માર્ચ-૨૦૨૦થી શહેરમાં શરુ થયેલા કોરોના મહામારીના સમય બાદ જયાંથી કોરોનાના સૌથી વધુ કેસ મળી આવતા હતા એવા મધ્યઝોનના કોટ વિસ્તારમાં હાલમાં કોરોનાના છ એકિટવ કેસ હોવાનું જાણવા મળે છે.ઉપરાંત દક્ષિણ ઝોનમાં આવેલા ખોખરા,મણિનગર અને ઘોડાસરમાં કોરોનાનો નવો એક-એક કેસ નોંધાવા પામ્યો છે.શહેરમાં ૧૯ જુને કોરોનાના ૪૦ કેસ નોંધાયા હતા ઉપરાંત એક મોત થયુ હતુ.એ પછી પહેલી વખત શહેરમાં એક જ દિવસમાં કોરોનાના ૪૩ કેસ નોંધાવા પામ્યા છે.માર્ચ-૨૦૨૦થી શરુ થયેલા કોરોના મહામારીના સમયથી અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના કુલ ૨,૩૮,૯૭૬ કેસ નોંધાયા છે.૨,૩૫,૩૬૮ લોકો કોરોનામુકત થયા હતા.કોરોના સંક્રમિત થવાથી શહેરમાં કુલ ૩૪૧૧ લોકોના મોત થવા પામ્યા હતા.

ચાંદખેડા-ચાંદલોડિયાના એક-એક સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા

૧૯ નવેમ્બરના રોજ બોપલ વિસ્તારમાં કોરોનાના કેસ મળતા ચાર મકાનના પંદર લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.આ પછી પહેલી વખત શહેરમાં બે વિસ્તારના એક-એક સ્થળને કોરોના સંક્રમણને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા સ્થળમાં ચાંદલોડીયામાં આવેલા આઈસીબી આઈસલેન્ડના એચ બ્લોકના ચોથા માળના ચાર મકાનમાં રહેતા તેર લોકો ઉપરાંત પશ્ચિમ ઝોનના ચાંદખેડામાં આવેલી દિવ્યજીવન સોસાયટીના ત્રીજા માળે આવેલા ચાર મકાનના પંદર લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુકવામાં આવ્યા છે.

એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના પાંચ દર્દી સારવાર હેઠળ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પાંચ અને ઓમિક્રોનના ત્રણ દર્દી મળી કુલ આઠ દર્દી સારવાર હેઠળ છે.શહેરમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોનના કેસ સંદર્ભમાં દર્દીઓને સારવાર મળી રહે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો,સરકારી હોસ્પિટલો તથા દસ જેટલી ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગન્ટેડ જાહેર કરવામાં આવી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

૨૧૩૬૫ લોકોને કોરોના વેકિસન અપાઈ

શહેરમાં ગુરુવારે ૩,૧૫૫ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૧૮૨૧૦ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ મળી કુલ ૨૧૩૬૫ લોકોને કોરોના રસી આપવામાં આવી છે.૧૬ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૮૨,૫૯,૯૭૯ વેકિસનના ડોઝ આપવામાં આવ્યા છે.૪૮,૪૬૫૭૯ લોકોને રસીનો પહેલો ડોઝ અને ૩૪,૧૩,૪૦૦ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Tags :