Gujarat

પક્ષ-સંગઠનમાં પ્રદેશપ્રમુખનું વર્ચસ્વ વધતા પ્રધાનો નારાજ, અધિકારીઓની મનમાની

By GS Team
17 Jan 20222 mins read
This article was originally published on 17 Jan 2022
પક્ષ-સંગઠનમાં પ્રદેશપ્રમુખનું વર્ચસ્વ વધતા પ્રધાનો નારાજ, અધિકારીઓની મનમાની

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના વધી રહેલા વર્ચસ્વને કારણે મંત્રીઓ અને અધિકારીઓની નારાજગી વધી રહી છે. વાત અહીં પૂરી થતી નથી, સિનિયર મંત્રીઓ અને આગેવાનો પણ નારાજ થઈ ગયા છે. પૂર્વ મંત્રી અને કોરાણે મૂકાયેલા નેતાઓની પણ અવગણના થવા માંડી છે. તેથી તેમની નારાજગી પણ ચૂંટણીના આ વર્ષમાં ભાજપને માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. સોલાર પાવર માટે સબસિડી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો તે પછી ઉર્જા વિભાગના અધિકારી પંકજ જોશીએ જ સબસિડી ન આપવાનો રસ્તો દેખાડી દઈને મોટો વિવાદ ઊભો કરી દીધો હતો. તેને પરિણામે ભાજપ સરકારની ઇમેજને ધક્કો પણ લાગ્યો છે. વાઈબ્રન્ટમાં સરકાર સાથે એમ.ઓ.યુ. કરતાં પૂર્વે સાત વાર લોકો વિચાર કરે તેવી વાતો પણ વહેતી થઈ ગઈ હતી. આ સમગ્ર બાબત ભાજપની ઇમેજને તોડી નાખે તેવી છે.

સી.આર. પાટીલની ઇચ્છા વિના મંત્રીઓ પણ મક્કમતાથી નિર્ણય ન લઈ શકતા હોવાથી અધિકારીઓ પણ નવા સવા મંત્રી બનેલા રાજકારણીઓની અવગણના કરતાં થઈ ગયા છે. મંત્રીઓ નવા હોવાથી બધી બાબતોની સૂઝ પણ ન પડતી હોવાથી અધિકારીઓ પણ તેમને ગાંઠતા નથી. અધિકારીઓ જે કહે તે તેમણે માની લેવું પડે છે. આ સ્થિતિનો લાભ લઈને અધિકારીઓ પણ પોતાનું ધાર્યું કામ કરાવી લેતા હોવાના કિસ્સાઓ બની રહ્યા છે.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને તેમની નિકટના ગણાતા માત્ર આઠ ચોપડી ભણેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમની નિકટતાનો લાભ લઈને અધિકારીઓ અને મંત્રીઓ પર પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી તેમની સામેની નારાજગી પણ વધી રહી છે. નવા બનેલા મંત્રીઓ સી.આર.પાટિલને નારાજ કરવાની હિમ્મત ન દાખવી સકતા હોવાથી તેઓ પોતાની સૂઝ પ્રમાણેના નિર્ણય પણ લઈ શકતા નથી. આમ તેમની પાસે મિનિસ્ટર હોવા છતાંય સ્વતંત્રતા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બંને પક્ષ અને સંગઠન પર પોતાનું વર્ચસ્વ હોવાનું પ્રસ્થાપિત કરવા સક્રિય પ્રયાસ કરી રહ્યા છે.

આ પરિસ્થિતિનો લાભ લેવા માટે નવરાં કરી દેવામાં આવેલા પૂર્વ મંત્રીઓ અને નેતાઓ પણ સક્રિય થયા છે. આ સ્થિતિ તેમને આગામી ચૂંટણીમાં નડી શકે છે. તેમની સિનિયોરિટીને અવગણીને તેમને કોરાણે મૂકી દેવાયા હોવાથી ઘવાયેલા આ નેતાઓ તેમની તાકાત કામે લગાડીને ફરી પોતાનું વર્ચસ્વ વધારવાની કોશિશ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.