(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર
અમદાવાદની ટ્રાવેલ કંપની ફોર સીઝન ટ્રાવેલ્સ પર આવકવેરા ખાતાના અધિકારીઓએ બુધવારે મોડી સાંજથી દરોડા ચાલુ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. કંપનીની નવરંગપુરા વિસ્તારની ઑફિસ અને પ્રહલાદનગરના રહેઠાણ સહિતના ચારેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ લખાય છે ત્યારે પણ દરોડાની કાર્યવાહી ચાલુ જ હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરોડા દરમિયાન ફોર સીઝનના માલિકોને ત્યાંથી રૃા. ૩૦ લાખની રોકડ મળી આવી છે. તદુપરાંત તેમના વિદેશની બૅન્કમાં ખાતાઓ હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.
આ દરોડામાં આવકવેરા અધિકારીઓએ કંપનીના માલિક દર્શન શાહ અને અંસૂલ શાહના ધનંજય ટાવર ખાતે આવેલા નિવાસસ્થાનને પણ આવરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રાવેલ કંપનીની ઑફિસ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જની પાછળના વિસ્તારમાં આવેલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક અન્ય અહેવાલ મુજૂબ દેશના એક લાખથી વધુ હાઈનેટવર્થ ઇન્વેસ્ટર્સની યાદી તૈયાર કરીને તેમના ૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષના રિટર્ન્સ નવેસરથી આકારણી કરવા માટે રિઓપન કરવાની નોટિસો પાઠવી દેવામાં આવી છે.
ગુજરાતમાંથી પણ મોટી સંખ્યાંમાં હાઈનેટવર્થ ઇન્ડિવિડયુઅલ્સને સ્ક્રૂટિની રિઓપન કરવાની નોટિસો આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને આવકવેરા ધારાકની કલમ ૧૪૮ હેઠળ નોટિસ પણ પાઠવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાઈનેટવર્થ ઇન્ડિવિડયુઅલ્સ (એચએનઆઈ)ની કેટેગરીમાં આવતા આ કરદાતાઓએ તેમની આવકની તુલનાએ શેર્સમાં, મ્યુચ્યુઅલ ફંડમાં જંગી રોકાણ કર્યું હોવાનું ધ્યાનમાં આવતા તેમની સામે આ પગલાં લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ જ રીતે ૨૦૧૨-૧૩ના વર્ષ દરમિયાન તેમણે જમીનના મોટા સોદાઓ કર્યા હોવાનું જણાતા પણ તેમને માર્ચના અંતિમ સપ્તાહમાં નોટિસો પાઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


