વડોદરા કોર્પોરેશનમાં ફરી કેસરીયો: ભાજપે 49 અને કોંગ્રેસને 7 બેઠક જીતી, હજી 20 બેઠકના પરિણામ બાકી
વડોદરા, તા. 23 ફેબ્રુઆરી 2021, મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરી એકવાર ભાજપ શાસનની ધુરા સંભાળી લેશે 19 વોર્ડની 76 બેઠકો પર યોજાયેલી ચૂંટણીના આજ સવારથી પરિણામ આવવાની શરૂઆત થતાં આજ બપોર સુધીમાં 52 બેઠકના પરિણામ આવતા તેમાંથી ભાજપે 49 બેઠકો જીતી લીધી છે અને બહુમતી મેળવી લીધી છે કોંગ્રેસને 7 બેઠક પર વિજય મળ્યો છે હજી 20 પરિણામ બાકી છે.
ભાજપે 11 વોર્ડમાં પેનલ જીતી બતાવી છે. વોર્ડ નંબર એકમાં ભાજપનો સફાયો થયો છે અને કોંગ્રેસના ચારેય ઉમેદવારો જીતી જતા કોંગ્રેસની પેનલ વિજેતા થઈ છે વોર્ડ નંબર એક ભાજપના ઉમેદવાર સતીશ પટેલ કે જેઓ કોર્પોરેશનમાં ગયા બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ હતા અને આ વખતે મેયર પદના દાવેદાર ગણાતા હતા તેમનો પરાજય થયો છે.
ભાજપને વોર્ડ નંબર 13માં ૩ અને વોર્ડ નંબર 16માં 2 બેઠક જીતીને સંતોષ માનવો પડયો છે. કારેલીબાગ કે જે વોર્ડ નંબર ત્રણમાં આવે છે. અહીં આ વખતે એક પણ પટેલ ઉમેદવાર ભાજપે મૂક્યો ન હતો. છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર એવું બન્યું કે પટેલ ઉમેદવાર ચૂંટણીમાં ન હતો.
બીજી બાજુ કોંગ્રે સે પટેલ ઉમેદવારને મેદાનમાં રાખ્યો હતો જેથી વોર્ડ નંબર ત્રણમાં પરિણામમાં નવાજૂની થશે તેવા એંધાણ હતા કારેલીબાગ ભાજપનો ગઢ ગણાય છે પરંતુ પરિણામ આવતા ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે વોર્ડ નંબર 3 ત્રણની ચારે બેઠક ભાજપે જીતી લીધી છે.