રોહિણી ગામમાં અગાઉના ઝઘડાની અદાવતમાં બે વ્યક્તિઓને મારમાર્યો
ઢોર ચરાવવા બાબતે તકરાર થઈ હતી
હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ચાર શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
આણંદ: ખંભાત તાલુકાના રોહિણી ગામે ખેતરમાં ઢોર ચારવા બાબતે થયેલા ઝઘડાની રીસ રાખી ચાર શખ્સોએ બે વ્યક્તિને લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ખંભાત પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
રોહિણી ગામે નકળંગપુરામાં રહેતા ખેડૂત અને પશુપાલક સુરેશભાઈ સાજનભાઈ ભરવાડને થોડા સમય પૂર્વે ગામના દિનેશભાઈ જીવાભાઈ ભરવાડ તથા ભનુભાઈ મેપાભાઈ ભરવાડ સાથે ખેતરમાં ઢોર ચારવા બાબતે ઝઘડો થયો હતો. ગત તા.૨૭મીના રોજ સુરેશભાઈ જોગણી માતાના મંદિર નજીક હાજર હતા.
ત્યારે અગાઉ થયેલા ઝઘડાની રીસ રાખી દિનેશભાઈ તથા ભનુભાઈ તેમને આપશબ્દો બોલી, દિનેશભાઈએ તેમને માથાના ભાગે લાકડી મારી દીધી હતી. જે અંગે ડાહ્યાભાઈ ખીમાભાઈ ભરવાડે ભરતભાઈને ઠપકો આપતા તેઓનું ઉપરાણું લઈ ગનાભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ જીવાભાઈ ભરવાડે લાકડીથી ડાહ્યાભાઈને માર માર્યો હતો. સાથે સાથે ભનુભાઈ ભરવાડ તથા ભરતભાઈ ભરવાડે વિક્રમભાઈ ખીમાભાઈ ભરવાડ, ડાહ્યાભાઈ ખીમાભાઈ ભરવાડ, રાધુભાઈ વાલાભાઈ ભરવાડને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે દિનેશભાઈ જીવાભાઈ ભરવાડ, ગનાભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ જીવાભાઈ ભરવાડ, ભનુભાઈ મેપાભાઈ ભરવાડ અને ભરતભાઈ ભવાનભાઈ ભરવાડ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.