મણિનગરમાં રેલવેના કાયદાઓના ઉલ્લંઘનમાં 55 જણા ઝડપાયા
- રેલવે મેજીસ્ટેટની ટીમે દરોડો પાડી ઝડપ્યા
- ચેઇન પુલિંગ, પાટા ક્રોસ કરવા, ગંદકી , ફેરી કરવી સહિતના ગુનામાં દંડવામાં આવ્યા
અમદાવાદ,તા.22 નવેમ્બર 2021, સોમવાર
મણિનગર રેલવે સ્ટેશન પર રેલવેના વિવિધ કાયદાઓનું ઉલ્લંઘન કરતા ૫૫ જણાને આજે સોમવારે ઝડપી પાડીને આર્થિક રીતે દંડવામાં આવ્યા હતા. પાટા ક્રોસ કરવા, ચેઇન પુલિંગ, ફેરી કરવી, ગંદકી કરવી સહિતના મામલે કુલ ૧૨,૫૦૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો.
સોમવારે સવારે ૧૧ વાગ્યે રેલવે મેજીસ્ટેટ ક્લાસ વન અને તેમની ટીમે મણિનગર આરપીએફના સ્ટાફને સાથે રાખીને રેલવે પરિસરમાં ચકાસણી હાથ ધરી હતી. જેમાં રેલવેના વિવિધ કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનું તેઓના ધ્યાને આવ્યું હતું.
આ અંગે મણિનગર રેલવે સ્ટેશનના આરપીએફ પીઆઇ એ.પી.સિંહના જણાવ્યા મુજબ રેલવે પરિસરમાં રેલવેના કાયદાઓનું પાલન થાય, લોકો જાગૃત બને અને નિયમ ભંગ કરતા તત્વો દંડાય તે માટે આજની આ કાર્યવાહીમાં બપોર સુધીમાં ૫૫ જણાને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તેઓને રેલવે મેજીસ્ટેટ સમક્ષ રજૂ કરાયા હતા. ગુનાની કબુલાત, ભવિષ્યમાં આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન નહીં થાય તેવી ખાત્રી સાથે તમામ આરોપીઓને આર્થિક દંડ ફટકારીને જવા દેવામાં આવ્યા હતા. નો પાર્કિંગના મામલે, રેલવે પરિસરમાં ગેરકાયદે ફેરી કરનારા, ગંદકી કરનારા તત્વોને પણ દંડવામાં આવ્યા હતા.
નોંધપાત્ર છેકે રેલવે સ્ટેશન આવે તે પહેલા જ ચાલુ ટ્રેનમાંથી ઉતરી જવા ચેઇન પુલિંગ કરવું, જોખમી રીતે રેલવે પાટા ઓળંગવા જેવી હરકતો મુસાફરો કરતા હોય છે. જે જોખમી છે અને અન્ય મુસાફરોની અસુવિધાના વધારા સાથે તેઓના જીવનું પણ જોખમ રહેલું છે. મણિનગર રેલવે સ્ટેશન પાસે ટ્રેન અકસ્માતના અનેક કિસ્સાઓ બનતા હોય છે.