કોલવડામાં ફરી દિપડાએ દેખા દીધી:વનવિભાગે પાંજરૂ ગોઠવ્યું
- જંગલ વિસ્તારમાં દિપડાનો પરિવાર હોવાની સંભાવના
- રાંધેજામાં પણ દિપડો દેખાયો હોવાની વાતથી ફફડાટ
ગાંધીનગર, તા. 21 એપ્રિલ 2020, મંગળવાર
ગાંધીનગર નજીક કોલવડા ગામમાં કોરોનાનો પોઝિટિવ દર્દી મળી આવ્યો હતો તેના બીજા જ દિવસે અહીંની આયુર્વેદ કોલેજમાંથી દિપડો પકડાયો હતો. ત્યારે આ કોલવડા પંથકમાં ફરી દિપડાએ દેખા દિધી હોવાના સમાચાર સાંપડી રહ્યા છે. કોલવડા અને પાસેના રાંધેજા ગામમાં દિપડો ગ્રામજનોએ દેખ્યો હોવાની વાતથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે તો બીજીબાજુ વનવિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને કોલવડામાં પાંજરૂ પણ મુકવામાં આવ્યું છે.
ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામની મોડેલ આયુર્વેદ કોલેજમાંથી થોડા દિવસ પહેલા દિપડો વનવિભાગે પાંજરે પુર્યો હતો. કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી દિપડો પકડવામાં આવ્યો હોવાને કારણે દિપડાને કોરોનાનો ચેપ ન લાગે તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી હતી એટલુ જ નહી, દિપડાને હાલ ઇન્દ્રોડા પાર્કમાં ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યો છે. ત્યારે આ જ વિસ્તારમાં દિપડાનો પરિવાર હોવાનું નિષ્ણાંતોનું માનવું હતું. જેને આજે એક પુરાવો પણ મળ્યો છે.
કોલવડા અને રાંધેજામાં દિપડો દેખાયો હોવાની વાત સામે આવી રહી છે. આ બન્ને ગામોમાં કેટલાક ગ્રામજનોએ દિપડો જોયો હોવાની વાત સરપંચ સહિત આગેવાનોને કરતા તેમણે વનવિભાગને જાણ કરી હતી અને આજે બપોરે વનવિભાગ પાંજરા સહિત ત્યાં પહાંચી ગયું હતું. વનવિભાગની એક ટીમ દ્વારા કોલવડા અને રાંધેજા ગામના જંગલ વિસ્તાર અને અન્ય સંભવીત વિસ્તારોમાં સર્ચ કરવામાં આવ્યું હતું તો બીજીબાજુ કોલવડામાં જ્યાં દિપડો જોવામાં આવ્યો હતો ત્યાં તપાસ કરીને પાંજરૂ પણ મુકવામાં આવ્યું છે.