ગાંધીનગરમાં કોરોના બેવડી સદીથી નજીક
- વધુ પાંચ કેસ મળી આવતાં પોઝિટિવ દર્દીઓનો આંકડો 198 થયો
ગાંધીનગર, તા. 21 મે 2020, ગુરુવાર
રાજ્યના પાટનગરમાં તા.૨૦ એપ્રિલે કોરોનાનો એક પણ એક્ટીવ પેસન્ટ ન હતો. જેને લઇને નગરજનો અને અધિકારીઓએ લોકડાઉનમાં પણ બિનસત્તાવાર છુટછાટ લઇ લીધી હતી અને અમદાવાદ અવર જવર શરૂ કરી દીધું હતું. જેથી રાજ્યના હોટ સ્પોટ એવા અમદાવાદમાંથી કોરોનાના ચેપી અને જીવલેણ વાયરસ સરળતાથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં ફેલાયા હતાં. અમદાવાદ અપડાઉન કરતાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને ત્યારબાદ તેમના પરિવારજનો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા હતાં અને ગાંધીનગરમાં પોઝિટિવ દર્દીઓનો આંકડો એકાએક વધવા લાગ્યો હતો. તે દરમિયાન કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ગાંધીનગરમાં ૧૫૦ને પાર પહોંચી ગયો હતો. ત્યારબાદ પણ કેસ ચાલુ રહ્યાં હતાં.
અમદાવાદ હોસ્પિટલ અને કોર્પોરેશનમાં કામ કરતાં કર્મચારીઓ અને પોલીસ જવાનો ક્રમશઃ પોઝિટિવ આવતાં રહ્યાં હતાં. જેને પગલે ગાંધીનગર શહેર અને જિલ્લામાં ગઇકાલ સુધી પોઝિટિવ દર્દીઓ ૧૯૩ નોંધાયા હતા. જેમાં આજે શહેરી વિસ્તારમાંથી એક અને ગાંધીનગર તાલુકામાંથી ચાર દર્દીઓ મળી કુલ નવા પાંચ કેસ ઉમેરાયા છે. તે સાથે ગાંધીનગરમાં પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૯૮ પહોંચી ગયો છે. જે પૈકી અત્યાર સુધી દસ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત પણ થયાં છે.
નર્મદા નિગમમાં નોકરી કરતા સે-૩/ડીના આધેડ કોરોનાગ્રસ્ત
ગાંધીનગર શહેરમાં દિવસ અને દિવસે કેસ વધી રહ્યાં છે. જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે. અમદાવાદ કનેક્શનના કારણે વધતાં જતાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ગાંધીનગરમાં ગઇકાલ સુધી ૭૫ હતી ત્યારે આજે વધુ એક પોઝિટિવ દર્દી શહેરના સેક્ટર-૩/ડીમાં મળી આવ્યો છે. આરોગ્ય સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર-૩/ડીમાં રહેતા અને નર્મદા નિગમમાં ડીવાયએસો તરીકે ફરજ બજાવતાં કર્મચારી કોરોનામાં સપડાયાં છે. આ ૫૯ વર્ષિય કર્મચારીને છેલ્લા ઘણા દિવસથી તાવ, શરદી અને ખાંસીની તકલીફ હતી. જેના કારણે તેઓ તા.૮મી મે બાદ ઓફિસે પણ ગયા ન હતાં. ત્યારે તકલીફ સતત રહેવાના કારણે ગઇકાલે તેમને કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. આ કર્મચારીને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે તેના સંપર્કમાં આવેલા ઘરના છ સભ્યો તથા ઓફિસના ત્રણ સભ્યોને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ગાંધીનગરના સેક્ટર-૩નો એક પણ ખુણો સુરક્ષિત રહ્યો નથી. સેક્ટર-૩ એ , બી, સી અને હવે ડીમાં પણ પોઝિટિવ દર્દી નોંધાયાં છે. સેક્ટર-૩માં અત્યાર સુધી ૧૦ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે. તો સે-૩/ન્યુમાં પણ પાંચ પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે.
ગાંધીનગર જીઆઇડીસીની કલ્પતરૂ કંપનીના વધુ બે કર્મચારી ચેપગ્રસ્ત
ગાંધીનગર સેક્ટર-૨૮ની જીઆઇડીસી આવેલી કલ્પતરૂ કંપનીમાં કામ કરતો અને અમરાપુરમાં રહેતો સિક્યોરીટી જવાન અગાઉ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને આ સિક્યોરીટી ગાર્ડના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. ત્યારે આજે તે પૈકી બે સિક્યોરીટી જવાન પોઝિટિવ આવ્યા છે.
આરોગ્ય સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અમરાપુરનો જવાન પોઝિટિવ આવ્યા બાદ કોલવડાના પરમાર વાસમાં રહેતો અને કલ્પતરૂમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો ૩૯ વર્ષિય યુવાનને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. છેલ્લા બે દિવસથી સામાન્ય તાવ અને શરદી સહિતની તકલીફ થવાના પગલે આ યુવાનનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. જેના પગલે આ યુવાનને કોલવડાના કેર સેન્ટરમાં સારવાર અર્થે રાખવામાં આવ્યો છે. જ્યારે પરિવારના નવ સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન પ્રેક્ષા ભારતી ખાતે કરવામાં આવ્યા છે. જેના સંપર્કમાં આવેલા બે વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
અમરાપુરનો યુવા પોઝિટિવ આવ્યા બાદ આલમપુરમાં રહેતો અને કલ્પતરૂમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ૩૮ વર્ષિય યુવાનને પ્રેક્ષા ભારતી ખાતે ફેસીલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. ઘણા દિવસો થઇ જવાના કારણે આ યુવાનનો ટેસ્ટ કરાયો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. ત્યારે અગાઉ તેના સંપર્કમાં આવેલા ૧૧ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
કોલવડા અને આલમપુરના બે યુવાન સપડાયાં
રાંદેસણ શુભારંભમાં રહેતો ગાંધીનગર કોર્પોરેશનનો હેલ્થ વર્કર પોઝિટિવ
ગાંધીનગર શહેર ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધતાં જ જાય તેમાં પણ ખાસ કરીને ગાંધીનગર તાલુકામાં પોઝિટિવ દર્દીની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ગાંધીનગર તાલુકાના અમદાવાદ તરફના લગભગ તમામ ગામોમાં પોઝિટિવ દર્દી નોંધાઇ ચુક્યાં છે. ગઇકાલ સુધી ગાંધીનગર તાલુકામાં સૌથી વધારે બાવન દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતા. તેમાં આજે ચાર દર્દીઓનો વધારો થયો છે. ગાંધીનગર તાલુકાના રાંદેસણની શુભારંભ ફલેટની સોસાયટીમાં રહેતાં અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતિ અગાઉ પોઝિટિવ આવી હતી. જેને લઇને તેના ૩૫ વર્ષિય પતિને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. ગાંધીનગર કોર્પોરેશનમાં મલ્ટીપરપઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા આ યુવાન કવોરેન્ટાઇનમાં હોવાના કારણે ગઇકાલે તેનો કોવિડ ટેસ્ટ કર્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. આ પોઝિટિવ યુવાનને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ પત્નિ અને કોર્પોરેશનના હેલ્થ વર્કર પતિ એમ બંને કોરોના વોરિયર્સ પોઝિટિવ આવ્યા છે.
ભાટમાં રહેતો એપોલો હોસ્પિટલનો સિક્યોરીટી ગાર્ડ કોરોના પોઝિટિવ
ગુજરાતના હોટ સ્પોટ એવા અમદાવાદ કનેક્શનના કારણે ગાંધીનગર શહેર અને જિલ્લાના કેસ વધી રહ્યાં છે. ખાસ કરીને અમદાવાદ સરહદ પાસેના ગામોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધુ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદને અડીને આવેલા ભાટ ગામમાંથી વધુ એક કેસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે, ભાટમાં આવેલી એપોલો હોસ્પિટલમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો ૪૭ વર્ષિય જવાન કોરોનાથી સંક્રમિત થયો છે. ભાટ ગામમાં વાણીયાવાસમાં રહેતા આ જવાનને છેલ્લા ઘણા દિવસથી તાવ, શરદી, કફની તકલીફ રહેતી હતી. જેને લઇને તેને ગઇકાલે ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ જવાનના ઘરના સભ્યોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સેનેટાઇઝેશનની કામગીરી પણ કરવામાં આવી છે એટલું જ નહીં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની આરોગ્યલક્ષી કામગીરી પણ આ વિસ્તારમાં સઘન બનાવી દેવામાં આવી છે.