પૂર્વ અમદાવાદમાં રંગોત્સની ધૂમ, હોળી-ધૂળેટીએ લોકોને ખુશીઓથી પ્રફુલ્લીત કર્યા
- કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષથી કરમાયેલા ચહેરાઓ પર હાસ્ય જોવા મળ્યું
- લોકડાઉનનાં સન્નાટાની યાદો વચ્ચે શહેરમાં ફરીથી ' હોલી...હૈ...'ની ચિચિયારીઓએ લોકોને ફરી જીવંત બનાવ્યા
અમદાવાદ,તા.19 માર્ચ 2022, શનિવાર
પૂર્વ અમદાવાદમાં હોળી-ધૂળેટીનો પર્વ ધામધુમપૂર્વક અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષ બાદ લોકોમાં તહેવારોની ખુશી ફરી પાછી જોવા મળી હતી. દરેક સોસાયટી, ફ્લેટ, મહોલ્લા, ચાલીઓમાં બસ એક જ વાત'..હોલી હૈ...',
પાણીની પિચકારીઓનો મારો, પાણી ભરેલી ડોલનો છંટકાવ, સપ્તરંગોમાંથી એકબીજાને મનભરીને અને પુરાપુરા બરોબર રંગી નાંખવાનો આનંદ, ઉલ્લાસ બાળકોથી માંડીને મોટેરાઓ સુધી સૌ કોઇમાં જોવા મળ્યો હતો. કોરોનાકાળની કારમી યાદો, લોકડાઉન, કરફ્યું સહિતના બંધનો અને સતત સંક્રમણના ભયથી ભયયુક્ત રહેતા લોકોએ આજે ભયની , બંધનોની બેડીઓ તોડીને પ્રેમ, હાસ્ય, મજાક-મસ્તી, ભક્તિ અને સત્યના આ પર્વ હોળીને દિલ અને મન ખોલીને ઉજવી, માણી હતી.
શહેરમાં આ બે દિવસ હકિકતમાં લોકોના ચહેરા પર હાસ્ય રંગત જોવા મળી હતી. હોળી-ધૂળેટીઆ આ વર્ષના તહેવારે જાણે તેની યથાર્થ શક્તિ અને સામર્થ્ય બતાવી દીધું હોય તેવું સૌકોઇએ અનુભવ્યું હતું.
પૂર્વ અમદાવાદમાં નરોડાથી લઇને નિકોલનો આખો પટ્ટો સત્ય, શ્રદ્ધા, ભક્તિ અને રંગોના પર્વ હોળી-ધૂળેટીના રંગે બે દિવસ ભરપુર રંગાયો હતો. રાજસ્થાની સમાજે ઓઢવ છોટાલાલની ચાલી પ્રજાપતિ વાડીમાં, વસ્ત્રાલમાં આંજણા ચૌધરી સમાજ, સૈજપુરમાં કલાક સમાજ અને સાબરમતી વિસત ખાતે સિરવી સમાજ દ્વારા ગૈર નૃત્ય સાથે સામુહિક રંગોત્સવની ઉજવણી કરાઇ હતી. સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને તહેવારમાં એકતાના દર્શન કરાવ્યા હતા.
રાજસ્થાની સમાજ દ્વારા આવતીકાલે રવિવારે બપોર બાદ સોલા બ્રિજની પાસે રણુંજા મંદિર ખાતે અને વેજલપુર બ્રિજની પાસે ઠાકોર સમાજની વાડીમાં ગૈર નૃત્યનું આયોજન કરાયું છે. સિંગરવા ખાતે માનવહિ પરિવાર દ્વારા ભુરીબાઇ સ્કૂલમાં ચાલતા વૃદ્ધાશ્રમમાં તેમજ દિવ્યાંગજનો સાથે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કરાઇ હતી.
વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમાજના તમામ વર્ગને સંાકળી લઇને તહેવારનો ઉજવણી સાથે મળીને કરાઇ હતી. જેમાં ભાઇચારા, એકતા, સમાનતા અને માનવતાના દર્શન થયા હતા.વસ્ત્રાલ વિસ્તારમાં પ્રયોસા પેરેડાઇસમાં રહેતા સિનિયર સિટિઝનોએ તિલક હોળી રમીને આનંદ માણ્યો હતો.
તો મણિનગરમાં નાગોરી પાર્ક સોસાયટીમાં ફાર્માસ્યુટિકલ ગ્રેડના ટેલ્કમ પાવડરથી હાઇજેનીક ધૂળેટી રમવામાં આવી હતી. પૂર્વ પટ્ટામાં વસતા હિંદી ભાષીઓએ પણ હોળી ગીતો ગાઇને, ગુલાલથી એકબીજાને રંગીને, એકબીજાના ઘરે જઇને વડિલોના આશિર્વાદ લઇને અને સાથે જમીને આ પર્વને કૌટુંબિક ભાવનાથી ભરી દીધો હતો. સરસપુર ગામમાં ૧૧ કુંટુબના સભ્યો સાથેના પંડયા પરિવારે પણ દર વર્ષની જેમ આ વર્ષે સાથે મળીને હોળી-ધૂળેટીની મજા માણી હતી.