અમદાવાદમાં હવે રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રીક વાહનો ચાર્જ કરી શકાશે
- પશ્ચિમ રેલવેમાં ગુજરાતમાં પ્રથમ વખત આ સુવિધા ઉભી કરાઇ
- પાર્કિંગની સાથે વાહન બુકિંગ અને કેબ સર્વિસ જેવી સુવિધાઓ પણ અપાશે, ચાર્જિંગના યુનિટ દીઠ 18 રૂપિયા વસુલાશે
અમદાવાદ,તા.16 ફેબ્રુઆરી 2022, બુધવાર
પશ્ચિમ રેલવેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત અમદાવાદ વિભાગમાં ત્રણ રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રીક વાહનોના પાર્કિંગ અને ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા શરૂ કરાઇ છે. અમદાવાદ રેલવે સ્ટેશને ચાર, આંબલી રોડ બોપલ રેલવે સ્ટેશને ૪ અને સાબરમતી રેલવે સ્ટેશને ૩ મળીને કુલ ૧૧ ચાર્જિંગ સ્ટેશન રેલવે પરિસરમાં શરૂ કરવામાં આવ્યા છે. યુનિટ દીઠ ૧૮ રૂપિયામાં ફોર વ્હિલર ગાડી ચાર્જિંગ કરી અપાશે. આવનારા દિવસોમાં ચાંદલોડિયા અને ગાંધીનગર રેલવે સ્ટેશને પણ આ સુવિધા ઉભી કરાશે.
ઇલેક્ટ્રીક વાહનોના ભવિષ્યને જોતા હવે રેલવેએ પણ ઇલેક્ટ્રીક વાહનોના ચાર્જિંગ સ્ટેશન તેમના રેલવે પરિસરમાં શરૂ કરીને જનસુવિધાની સાથે વધારાની આવક શરૂ કરવાની દિશામાં પગરણ માંડી દીધા છે.
આ અંગે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના પીઆરઓ જિતેન્દ્રકુમાર જયંતના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવેમાં પ્રથમ વખત અમદાવાદ વિભાગમાં પાંચ રેલવે સ્ટેશનો પર ચાર્જિંગની સુવિધા ઉભી કરી દેવામાં આવી છે. જેમાંથી અમદાવાદ, સાબરમતી અને આંબલી રોડ ખાતે બુધવારે તેનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. રેલવેના વિભાગીય વડા તરૂણ જૈન , શહેર પોલીસ કમિશર સહિતના અધિકારીઓની હાજરીમાં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
રેલવે પરિસરમાં ઇલેક્ટ્રીક વાહનો માટેનું એક અલાયદુ માળખું ઉભું કરાયું છે. જેમાં ચાર્જિંગની સાથે પાર્કિગની પણ સુવિધા કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ અને આંબલી રોડ રેલવે સ્ટેશન ખાતે ઇલેક્ટ્રીક વાહનોના બુકિંગની પણ સુવિધા શરૂ કરાઇ છે. ઉપરાંત મુસાફરોની માંગ મુજબ તેઓને પરિવહન માટે ઇલેક્ટ્રીક વાહનની કેબ સર્વિસ પણ પુરૂ પડાશે.
રેલવે સ્ટેશન પર ફક્ત ફોર વ્હિલર વાહનોનું જ ચાર્જિંગ કરી અપાશે. પર યુનિટ ૧૮ રૂપિયા ચાર્જ વસુલાશે. એક થી દોઢ કલાકમાં વાહન ચાર્જ થઇ જશે. એકવાર ફુલ ચાર્જ કરાયેલું વાહન ૧૫૦ થી ૨૦૦ કિ.મી.સુધી દોડી શકશે.
રેલવે પરિસરમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ થતા રેલવેને વાર્ષિક ૧૦.૫૨ લાખની બિનભાડુ આવક મળશે. ડ્રાઇવર-ઓટોમેટિક ઇલેકટ્રીક વાહનો સાથે ઇવી ચાર્જર્સનો સંયુક્ત કોન્ટ્રાક્ટ ભારતીય રેલવે નેટવર્થમાં તેના પ્રકારનો આ પ્રથમ કોન્સેપ્ટ હોવાનું રેલવેના અધિકારીઓ જણાવી રહ્યા છે.