પોક્સો એક્ટ હેઠળ નોંધાતા ૮૦ ટકા કેસમાં મુગ્ધા અવસ્થાનો પ્રેમ જવાબદાર
૨૦ ટકા કેસમાં જ એવુ હોય છે કે આરોપીએ ઇરાદપુર્વક આવુ કૃત્ય કર્યુ હોય : બાળકોને સમજાવો કે ટીન એજ પ્રેમ કરવાની ઉમર નથી : ફક્ત કાયદાથી કામ નહી થાય સમાજમાં જાગૃતિ જરૃરી છે
વડોદરા : 'પોક્સો' એક્ટ હેઠળ નોંધાતા કેસમાં મોટાભાગના કેસમાં મુગ્ધા અવસ્થામાં થતા પ્રેમના કિસ્સાઓ હોય છે તેમાં ગુનાનો કોઇ એંગલ નથી હોતો તેમ છતા પણ એક જ્જ તરીકે અમારે કાયદાની મર્યાદામાં રહીને જ કઠોર નિર્ણય લેવા પડે છે જે અમારા માટે ખુબ મુશ્કેલ અને પીડાજનક હોય છે એમ આજે વડોદરા કોર્ટમાં 'પોક્સો' (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સ-૨૦૧૨) એક્ટ અંગે યોજાયેલા સેમિનારના મુખ્ય મહેમાન ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિરલ આર. મહેતાએ કહ્યું હતું
'આજે અહી હું એક જ્જ તરીકે નહી પરંતુ માર્ગદર્શક તરીકે આવ્યો છુ એટલે હું મારા મનની વાત કહી રહ્યો છું' એમ કહેતા જસ્ટિસ મહેતાએ ઉમેર્યુ હતું કે 'બાળકોની જાતીય સતામણીના બે પ્રકાર થતી હોય છે. એક તો ઇરાદાપુર્વક આવા ગુના થતા હોય છે.બીજામાં મુગ્ધા અવસ્થાનો પ્રેમ જવાબદાર છે. અમારી પાસે આવતા 'પોક્સો' ના કેસમાંથી ૮૦ ટકા એવા હોય છે જે આ બીજા પ્રકારના હોય છે જેમાં આરોપી અને પિડીતાની ઉમર ૧૬ થી ૧૮ વર્ષ વચ્ચેની હોય છે. ટીનએજરો એવુ સમજે છે કે તેઓ યુવાન અને પરિપક્વ થઇ ગયા છે અને આ પ્રેમ કરવાની ઉમર છે એટલે આ પ્રકારની માનસિકતામાં તેઓ ભુલ કરી બેસે છે.
આવા કિસ્સામાં કોઇ ક્રિમિનલ એંગલ નથી હોતો. અમને ધ્યાન હોય છે કે આરોપી પણ ૧૬-૧૭ વર્ષનો જ છે તેનો ઇરાદો ગુનો કરવાનો નથી હોતો પરંતુ કાચી ઉમરની લાગણીનો ઉન્માદ છે તેમ છતા અમારે કાયદાના આધારે જ સજા કરવી પડે છે. મારી સલાહ એ છે કે આ એક સામાજિક સમસ્યા છે. ફક્ત કાયદાથી કામ નહી થાય. તમે તમારા બાળકો માટે સમય કાઢો, તેની સાથે વાત કરો, તેમને સમજાવો કે આ ઉમર પ્રેમની નથી. જો આ ઉમરે પ્રેમમાં પડશો તો જિંદગી ખોટા રસ્તે જશે'
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા કાનુની સહાય સત્તા મંડળ દ્વારા પોક્સ એક્ટ અંગે જાગૃતિ માટે સેમિનારનું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જ્જ એમ.આર.મેંગદે અને ખાસ પોક્સો જ્જ બી.જી.દવે ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યુ હતું જેમા વકીલો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ, શાળા-કોલેજના શિક્ષકો, વડોદરા પોલીસની સી-ટીમના મહિલા સભ્યોએ હાજરી આપી હતી