રતનપુર ગામ નજીક સરદાર પેટ્રોલપંપ પરથી બાયોડીઝલનું વેચાણ ઝડપાયું
લક્ઝરી બસમાં બાયોડીઝલ ભરાતું હતું ત્યારે જ દરોડો ઃ માલિક અને કર્મચારીની ધરપકડ
વડોદરા તા.27 વડોદરા-ડભોઇ રોડ પર રતનપુર ગામ પાસેના સરદાર પેટ્રોલપંપ પર બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ કરતા પેટ્રોલપંપના માલિક અને કર્મચારીની પોલીસે ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે રતનપુર ગામની સીમમાં સ્ટેટ હાઇવે પર આવેલા સરદાર પેટ્રોલપંપ ખાતે શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલે છે તેવી બાતમીના આધારે જિલ્લા એસઓજીના સ્ટાફ દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલપંપ પર એક લક્ઝરી બસ ઉભી હતી અને કારબામાંથી લક્ઝરીબસમાં ડીઝલ ભરાતું હતું. ડીઝલ ભરનાર શખ્સને પૂછતા કારબામાં બાયોડીઝલ હોવાનું જણાવ્યું હતું અને પોતાનું નામ તેણે વિક્રમ જયંતિભાઇ પરમાર (રહે.હીરાબાનગર, વાઘોડિયારોડ) કહ્યું હતું.
પોલીસે બાયોડીઝલ ભરેલા ૮ કારબા કબજે કરી વધુ પૂછપરછ કરતા વિક્રમે જણાવેલ કે પોતાના શેઠ શ્યામલાલ ગોકુલજી ખટીક (રહે.યમુના કોમ્પ્લેક્સ, આજવારોડ)ના કહેવાથી આવતા-જતા વાહનોમાં વેચાણ માટે બાયોડીઝલ કારબામાં ભરી રાખ્યું હતું. પોલીસે પેટ્રોલપંપની ઓફિસમાંથી માલિક શ્યામલાલ અને કર્મચારી વિક્રમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.